પૂજ્ય બાપુની જન્મતિથિની પૂર્વસંધ્યાએ પીએમ મોદીએ કર્યું શ્રમદાન

નવી દિલ્હીઃ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી, જેઓ સ્વચ્છતાના આગ્રહી પણ હતા, એમની જન્મતિથિની પૂર્વસંધ્યાએ, આજે એમને સ્વચ્છાંજલિ અર્પણ કરવાના હેતુસર સ્વચ્છતા ઝુંબેશમાં સહભાગી થવા દેશની જનતાને કરેલી અપીલના ભાગરૂપે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે શ્રમદાન કર્યું હતું. એમની સાથે ફિટનેસ ઈન્ફ્લુએન્સર અંકિત બૈયનપુરિયા પણ જોડાયા હતા.

મોદીએ X પ્લેટફોર્મ પર એક વિડિયો પોસ્ટ કર્યો છે અને જણાવ્યું છે, આજે સમગ્ર દેશ સ્વચ્છતા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યો છે ત્યારે અંકિત બૈયનપુરિયા અને મેં એ જ સેવા બજાવી હતી. સ્વચ્છતા ઉપરાંત અમે આમાં તંદુરસ્તી અને કલ્યાણકારી ભાવનાને પણ સામેલ કર્યાં હતા. આ બધું સ્વચ્છતા અને સ્વચ્છ ભારત માટે છે.

ઉલ્લેખનીય છે કે, સ્વચ્છતા ઝુંબેશમાં સામેલ થવાની મોદીએ કરેલી અપીલને પગલે એમના સાથી પ્રધાનો, શાસક ભારતીય જનતા પાર્ટીના બીજાં અનેક નેતાઓએ દેશના જુદા જુદા ભાગોમાં સ્વચ્છતા કાર્યક્રમો હાથ ધર્યાં હતાં.

કેન્દ્રિય ગૃહ પ્રધાન અમિત શાહે અમદાવાદમાં જ્યારે ભાજપાના રાષ્ટ્રીય પ્રમુખ જે.પી. નડ્ડાએ દિલ્હીમાં શ્રમદાનમાં ભાગ લીધો હતો.