એશિયન ગેમ્સમાં ક્યારે છે ભારતીય ટીમની ક્રિકેટ મેચ?

હાંગ્ઝોઃ ચીનના આ શહેરમાં રમાતી 19મી એશિયન ગેમ્સમાં ક્રિકેટની રમતમાં ભાગ લેવા માટે ભારતીય ટીમ અત્રેના એશિયન વેિલેજમાં પહોંચી ગઈ છે. ટીમ ઈન્ડિયા 3 ઓક્ટોબરે ક્વાર્ટર ફાઈનલ મેચ સાથે તેના પડકારનો આરંભ કરશે. ભારતીય ટીમનું સુકાનીપદ ઋતુરાજ ગાયકવાડને સોંપવામાં આવ્યું છે. વર્તમાન એશિયન ગેમ્સમાં દેશની મહિલાઓની ટીમે તો જોરદાર દેખાવ કર્યો છે અને ગોલ્ડ મેડલ જીત્યો છે. હવે પુરુષ ખેલાડીઓએ પરાક્રમ કરી બતાવવાનું છે. ભારતના સિનિયર ખેલાડીઓ હાલ ઘરઆંગણે આગામી ODI વર્લ્ડ કપ સ્પર્ધાની તૈયારીમાં વ્યસ્ત હોવાથી એશિયન ગેમ્સમાં યુવા ક્રિકેટરોની ટીમને મોકલવામાં આવી છે.

આ ટીમમાં પ્રભસિમરન સિંહ અને જિતેશ શર્મા જેવા ધુરંધર ખેલાડીઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. તે ઉપરાંત રિંકૂ સિંહ અને તિલક વર્મા પણ છે. આ બંને ખેલાડી સિનિયર ટીમ વતી ટ્વેન્ટી-20 ફોર્મેટમાં રમી ચૂક્યા છે. બોલિંગ વિભાગમાં, અવેશ ખાન, રવિ બિશ્નોઈ, અર્શદીપ સિંહ અને મુકેશ કુમાર છે.

ભારતીય ટીમઃ યશસ્વી જયસ્વાલ, ઋતુરાજ ગાયકવાડ (કેપ્ટન), રાહુલ ત્રિપાઠી, રિંકૂ સિંહ, તિલક વર્મા, વોશિંગ્ટન સુંદર, શાહબાઝ એહમદ, શિવમ દુબે, જિતેશ શર્મા (વિકેટકીપર), પ્રભસિમરન સિંહ (વિકેટકીપર), રવિ બિશ્નોઈ, મુકેશ કુમાર, અવેશ સિંહ, અરિશ કુમાર, અરવિંદ ખાન, આકાશદીપ.