ભૂવનેશ્વર/કલાઈકુંડા: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બંગાળના અખાતમાં સર્જાયેલા અને 26 મેના બુધવારે ફૂંકાયેલા ચક્રવાતી વાવાઝોડા ‘યાસ’એ ઓડિશા અને પશ્ચિમ બંગાળ રાજ્યોમાં વેરેલા વિનાશનું 28 મે, શુક્રવારે હેલિકોપ્ટરમાંથી હવાઈ નિરીક્ષણ કર્યું હતું. ત્યારબાદ એમણે બંને રાજ્યોનાં મુખ્ય પ્રધાનો તથા વરિષ્ઠ સરકારી અધિકારીઓને મળીને વાવાઝોડા બાદની પરિસ્થિતિની સમીક્ષા કરી હતી.
મોદીએ બંને રાજ્યમાં રાહત કામગીરીઓ હાથ ધરવા માટે કેન્દ્ર સરકાર તરફથી રૂ. 1000 કરોડની આર્થિક સહાયની જાહેરાત કરી છે. આમાંથી રૂ. 500 કરોડ ઓડિશાને તાત્કાલિક સહાય રૂપે આપવામાં આવશે જ્યારે બાકીના રૂ. 500 કરોડ પશ્ચિમ બંગાળ અને ઝારખંડને નુકસાનીના આધારે આપવામાં આવશે. વાવાઝોડાને કારણે મૃત્યુ પામેલી પ્રત્યેક વ્યક્તિના નિકટના સ્વજનને રૂ. 2 લાખ એક્સ-ગ્રેશિયા રકમ આપવામાં આવશે જ્યારે પ્રત્યેક ઈજાગ્રસ્તને રૂ. 50 હજારની સહાયતા કરવામાં આવશે.
મોદીએ ભૂવનેશ્વરમાં ઓડિશાના મુખ્ય પ્રધાન નવીન પટનાયક સાથે બેઠક કરી હતી અને પશ્ચિમ બંગાળના મિદનાપુર જિલ્લાના કલાઈકુંડામાં બંગાળનાં મુખ્ય પ્રધાન મમતા બેનરજી તથા અન્ય અધિકારીઓ સાથે બેઠક કરી હતી. તે બેઠકમાં બેનરજી 15 મિનિટ સુધી રહ્યાં હતાં, ત્યારબાદ એક અન્ય સમીક્ષા બેઠકમાં હાજરી આપવા એ ત્યાંથી રવાના થઈ ગયાં હતાં. ત્રણેય રાજ્યમાં વાવાઝોડા યાસને કારણે 21 લાખ જેટલા લોકોને સુરક્ષિત સ્થાનોએ ખસેડવા પડ્યા છે.
