અયોધ્યામાં વ્યક્તિદીઠ માસિક કમાણી રૂ. 5000થી પણ ઓછી

અયોધ્યાઃ લોકસભાની ચૂંટણીથી પહેલાં અયોધ્યા રાજકીય ચર્ચાનું કેન્દ્ર બની ગયું છે. ભાજપનો દાવો છે કે અયોધ્યામાં વિકાસની ગંગા વહી રહી છે. એ દાવો અયોધ્યાને એક તીર્થ સ્થળ રૂપે વિકસિત કરવામાં આવી રહ્યું છે. વડા પ્રધાન મોદીએ 30 ડિસેમ્બરે અયોધ્યા માટે રૂ. 15,700 કરોડથી વધુના કેટલાય વિકાસ પ્રોજેક્ટનું ઉદઘાટન અને શિલાન્યાસ કર્યો હતો. એમાં પણ રૂ. 15,700 કરોડમાંથી રૂ. 11,100 કરોડ અયોધ્યા અને એની આસપાસનાં વિસ્તારોના વિકાસ પ્રોજેક્ટો માટે છે. વડા પ્રધાને જણાવ્યું હતું કે આ પ્રોજેક્ટ્સ અયોધ્યાને દેશના નકશા પર ફરીથી ગૌરવ સાથે સ્થાપિત કરશે.

આ દાવાઓની સચાઈ તો પછી માલૂમ થશે, પણ અયોધ્યાના લોકોની આવક ઉત્તર પ્રદેશની સરેરાશ પ્રતિ વ્યક્તિ આવક કરતાં પણ ઓછી છે. જિલ્લાની અડધોઅડધ મહિલાઓ એનિમિયા (લોહીની ઊણપ)થી પીડિત છે. પ્રતિ વ્યક્તિ વીજવપરાશ રાષ્ટ્રીય સરેરાશથી ઘણી ઓછી છે. ઉત્તર પ્રદેશના કેન્દ્રમાં સ્થિત અયોધ્યા કેટલાય જિલ્લાઓથી ઘેરાયેલો છે, ઇતિહાસ અને પરંપરાની દ્રષ્ટિએ અયોધ્યા સમૃદ્ધ છે, પરંતુ સામાજિક-આર્થિક મોરચે એની નબળી છબિ ઊભરે છે.

અયોધ્યા જિલ્લામાં વર્ષ 2021-22માં પ્રત્યેક વ્યક્તિની આવક રૂ. 56,787 હતી, જ્યારે યુપીમાં પ્રતિ વ્યક્તિની આવક રૂ. 70,792 છે. જ્યારે રાષ્ટ્રીય સરેરાશ રૂ. 92,583 છે. પ્રતિ વ્યક્તિની આવકને મામલે યુપીના 75 જિલ્લાઓમાં અયોધ્યા 48મા સ્થાને છે.  રાજ્યના કુલ ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટમાં અયોધ્યાનું ઉત્પાદન 0.94 ટકા હતી. અયોધ્યા જિલ્લામાં 2019થી 2021માં 15થી 49 વર્ષની વયની આશરે અડધી મહિલાઓ (50.3 ટકા) એનિમિયાથી પીડિત હતી.