મધ્ય પ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢમાં કમળનો જયજયકાર; ‘મોદીની ગારન્ટી’એ સર્જ્યું મેજિક

નવી દિલ્હીઃ પાંચમાંથી ચાર રાજ્યની વિધાનસભાની ચૂંટણીમાં આજે મતગણતરી કરાઈ રહી છે. આમાં મધ્ય પ્રદેશમાં ભાજપે પોતાની સત્તા જાળવી રાખી છે જ્યારે રાજસ્થાન અને છત્તીસગઢમાં કોંગ્રેસના હાથમાં સત્તા છીનવી લીધી છે. તેલંગણામાં ભારત રાષ્ટ્ર સમિતિને હરાવીને કોંગ્રેસ શાસન સ્થાપી રહી છે.

ત્રણ રાજ્યોમાં ભાજપના ધરખમ વિજયને પગલે પક્ષના નેતાઓ અને કાર્યકરોએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના જાદુની સરાહના કરી રહ્યા છે. ચૂંટણી પ્રચાર વખતે પીએમ મોદીએ કોંગ્રેસે આપેલા વચનોની હાંસી ઉડાવી હતી અને મતદારોને કહ્યું હતું કે ‘એકમાત્ર મોદીની ગારન્ટી જ દેશમાં કામ કરી રહી છે.’ મોદીના એ નારાને આજની જીત સાથે જોડીને પક્ષના નેતાઓ અને કાર્યકર્તાઓ આનંદમાં નાચી રહ્યાં છે. ભાજપના ટોચના નેતાઓએ પણ પક્ષની શાનદાર જીતના પ્રત્યાઘાતમાં કહ્યું કે, દેશની જનતાને માત્ર મોદીની ગારન્ટીમાં જ વિશ્વાસ છે.

199-બેઠકોની રાજસ્થાન વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના તાબામાં 113 બેઠક આવી છે જ્યારે સત્તા ગુમાવનાર કોંગ્રેસને મળી છે 72 બેઠક. અન્યોએ 14 બેઠક કબજે કરી છે.

230-બેઠકોની મધ્ય પ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં 166 સીટ સાથે ભાજપે સત્તા જાળવી રાખી છે. કોંગ્રેસને 62 સીટ મળી છે.

90-સીટની છત્તીસગઢ વિધાનસભાની ચૂંટણીમાં, ભાજપે 55 બેઠક મેળવીને કોંગ્રેસને સત્તા પરથી હટાવી દીધી છે. કોંગ્રેસને 32 બેઠક મળી છે.

119-બેઠકોની તેલંગણા વિધાનસભાની ચૂંટણીમાં 65 સીટ સાથે કોંગ્રેસ સૌથી મોટો પક્ષ છે. તેણે ભારત રાષ્ટ્ર સમિતિને પછડાટ આપી છે. બીઆરએસને ફાળે 39 સીટ આવી છે.