દિલ્હી સહિત દેશમાં ડુંગળીની કિંમત પાંચ વર્ષની ઊંચાઈએ

નવી દિલ્હીઃ દેશમાં ડુંગળીની કિંમત પાંચ વર્ષની ઓલટાઇમ ઊંચી સપાટીએ પહોંચી ગઈ છે. જોકે જથ્થાબંધ બજારમાં ડુંગળીની કિંમત પાંચ વર્ષની ઊંચી સપાટીએ પહોંચી છે. નિકાસ વધવા સાથે સપ્લાય ઓછો હોવાને કારણે ડુંગળીની કિંમત સ્થાનિક બજારમાં વધી રહી છે.

ડુંગળી લોકોને રડાવી રહી છે, કેમ કે દેશનાં અનેક શહેરોના બજારોમાં ડુંગળીની કિંમતો વધી ગઈ છે. જેનાથી સામાન્ય લોકો હેરાનપરેશાન છે. જથ્થાબંધ બજારોમાં ડુંગળીની કિંમત 50થી 7૦ રૂપિયા પ્રતિ કિલોથી વધીને ૭૦થી ૮૦ રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ છે. દિલ્હીમાં ડુંગળીની કિંમત કિલોદીઠ રૂ. 90થી રૂ. 100એ વેચાઈ રહી ઠેય રાજસ્થાન, મહારાષ્ટ્ર અને કર્ણાટકથી આવતી ડુંગળીના પુરવઠો ધીમો છે.

નાસિકની મંડીઓમાં ડુંગળીની કિંમતો પાંચ વર્ષના મહત્તમ સ્તરે પહોંચી છે. સરકારે ડુંગળીની નિકાસ પર એક્સપોર્ટ ડ્યુટી ઓછી કરી છે. જેથી બંગલાદેશમાં નિકાસ ઘણી ઝડપથી વધી છે. જોકે આ મહિનાના અંતે નવી ડુંગળીની આવકો શરૂ થતાં કિંમતો ઘટવાની અપેક્ષા છે.

ડુંગળીની વધતી કિંમતો પર નારાજગી વ્યક્ત કરતાં એક વ્યક્તિએ કહ્યું હતું કે ડુંગળીના ભાવ વધ્યા છે, જ્યારે સિઝનના હિસાબે તે નીચે આવવા જોઈએ. બજારના એક વેપારીએ જણાવ્યું હતું કે મોંઘવારીને કારણે ડુંગળીના ભાવમાં વધારો થયો છે. દેશભરમાં ડુંગળીના ભાવમાં ઉછાળો આવ્યો છે અને તે ૮૦ રૂપિયા પ્રતિ કિલોની રેન્જમાં વેચાઈ રહ્યો છે.