નવી દિલ્હીઃ ઈન્સ્ટિટ્યૂટ ઓફ જીનોમિક્સ એન્ડ ઈન્ટીગ્રેટિવ બાયોલોજી સંસ્થાના જણાવ્યા મુજબ, ભારતમાં માત્ર ત્રણ અઠવાડિયામાં જ કોરોનાવાઈરસના ઓમિક્રોન વેરિઅન્ટના 172 કેસ નોંધાયા છે. આ આંકડાની અવગણના કરી ન શકાય. બીજા ઘણાં ચેપી લોકોના નામ હજી નોંધાયા ન હોય એવું પણ બની શકે છે. એમાંના ઘણાયને 10 ટકા લક્ષણો જ હોઈ શકે છે. સોમવાર સાંજ સુધીમાં, ભારતમાં ઓમિક્રોનના 172 કેસ નોંધાયા હતા. એમાં 54 મહારાષ્ટ્રમાં, 28 દિલ્હીમાં, 20 તેલંગણામાં, 19 કર્ણાટકમાં, 17 રાજસ્થાનમાં, 15 કેરળમાં અને 11 ગુજરાતમાં. ઓમિક્રોનનો પહેલો કેસ ગઈ બીજી ડિસેમ્બરે કર્ણાટકમાં નોંધાયો હતો.
હરિયાણાના સોનેપતમાં આવેલી ખાનગી અશોક યુનિવર્સિટીની ત્રિવેદી સ્કૂલ ઓફ બાયોસાયન્સીસના ડાયરેક્ટર અને જાણીતા વાઈરોલોજિસ્ટ ડો. શાહિદ જમીલનું કહેવું છે કે દુનિયાભરમાં ઓમિક્રોન દોઢથી ત્રણ દિવસમાં બમણી ઝડપે ફેલાઈ રહ્યો છે. આનો અર્થ એવો છે કે તે કોરોનાના અગાઉના વેરિઅન્ટ ડેલ્ટા કરતાં પણ વધારે ઝડપથી આ ચેપ ફેલાય છે.