ડિફોલ્ટરો પાસેથી રિકવરીનો કેસઃ એનએસઈએલનો સર્વોચ્ચ અદાલતમાં વિજય

નવી દિલ્હીઃ વર્ષ 2013માં બનેલી એનએસઈએલ (નેશનલ સ્પોટ એક્સચેન્જ લિમિટેડ)ની પેમેન્ટ કટોકટી સંબંધે સર્વોચ્ચ અદાલતે ડિફોલ્ટરો પાસેથી નાણાંની રિકવરી કરવા માટે પ્રદીપ નંદ્રજોગ (મુંબઈ વડી અદાલતના નિવૃત્ત ન્યાયમૂર્તિ)ના વડપણ હેઠળ સમિતિની રચના કરવા માટે મંજૂરી આપી છે.

નોંધનીય છે કે એનએસઈએલે એકલપંડે ડિફોલ્ટરો વિરુદ્ધ લડીને કુલ 3,534.46 કરોડ રૂપિયાની ડિક્રી/આર્બિટ્રેશન ઍવોર્ડ મેળવ્યાં છે, જેનો અમલ હવે ઉક્ત સમિતિ કરાવશે. એ ઉપરાંત મુંબઈ વડી અદાલતે નીમેલી ઉચ્ચ સ્તરીય સમિતિએ ડિફોલ્ટરોની 760.31 કરોડ રૂપિયાની લાયેબિલિટી નિશ્ચિત કરી છે. આ લાયેબિલિટી પણ ટૂંક સમયમાં ડિક્રીમાં પરિવર્તિત થશે એવો વિશ્વાસ એનએસઈએલે વ્યક્ત કર્યો છે.

એનએસઈએલના કિસ્સામાં બે ડિફોલ્ટરોએ પોતાની 195.75 કરોડ રૂપિયાની લાયેબિલિટી ચૂકવી દીધી છે. એન.કે. પ્રોટીન્સ નામના ડિફોલ્ટર વિરુદ્ધ 964 કરોડ રૂપિયાની ડિક્રી મેળવવા માટેની કાર્યવાહી મુંબઈ વડી અદાલતમાં ચાલી રહી છે. જોકે, મુંબઈ પોલીસની આર્થિક ગુના શાખાએ તથા સિરીયસ ફ્રોડ ઇન્વેસ્ટિગેશન ઑફિસે એન.કે. પ્રોટીન્સની 964 કરોડ રૂપિયાની લાયેબિલિટી આની પહેલાં જ કન્ફર્મ કરી દીધી છે.

એનએસઈએલના નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે ડિફોલ્ટરોએ ચૂકવેલી રકમ તથા અન્ય રિકવરી મળીને કુલ 5,454.52 કરોડ રૂપિયાની રિકવરી થઈ છે તથા એમની ઍસેટ્સને ટાંચમાં લેવામાં આવી છે. જો આ કેસમાં ટ્રેડિંગ ક્લાયન્ટ્સે કરેલા તમામ દાવાઓને સાચા ગણવામાં આવે તોપણ રિકવરી અને ઍસેટ્સ મળીને તમામ દાવાઓનો નિકાલ લાવી શકાય એટલી રકમ થાય છે. દાવાઓ સાચા છે કે ખોટા એની ચકાસણી સર્વોચ્ચ અદાલતે નીમેલી સમિતિ કરશે.

નોંધનીય છે કે સિરીયસ ફ્રોડ ઇન્વેસ્ટિગેશન ઑફિસ અગાઉ જણાવી ચૂકી છે કે એને 2,239.61 કરોડ રૂપિયાના દાવા મળ્યા છે, જેમાંથી 935.09 કરોડ રૂપિયાના દાવા સાચા હોવા વિશે શંકા છે. આમ, ફક્ત 1,304.61 કરોડ રૂપિયાના દાવા જ સાચા છે.

એનએસઈએલના નિવેદનમાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે તેણે જુલાઈ 2013માં પેમેન્ટ કટોકટી બહાર આવ્યા બાદ ઓગસ્ટ 2013માં 63 મૂન્સ ટેક્નોલોજીસ લિમિટેડ પાસેથી 179 કરોડ રૂપિયાની લોન લીધી હતી. આ રકમ પણ ડિફોલ્ટરો પાસેથી વસૂલ થવાની છે.

એનએસઈએલે બે લાખ રૂપિયા સુધીના દાવાઓ ધરાવતા ટ્રેડરોને પૂરેપૂરી અને બેથી દસ લાખ સુધીના દાવેદારોને 50 ટકા સુધીની ચૂકવણી કરવા માટે ઉક્ત લોન લીધી હતી. તાજેતરમાં મહારાષ્ટ્ર સરકારે બેથી દસ લાખ રૂપિયાના દાવેદારોને બાકીની 50 ટકા રકમની ચૂકવણી કરી દેતાં તમામ નાના દાવેદારોના દાવા સંબંધે ચૂકવણી થઈ ચૂકી છે.

એનએસઈએલે કહ્યું છે કે કેટલાંક સ્થાપિત જૂથો રિકવરીના પ્રયાસોને ખોરવી નાખવા માટે તથા ફક્ત એનએસઈએલને ટાર્ગેટ કરવા માટે પ્રયત્નશીલ રહ્યાં છે. તેમણે બેથી દસ લાખના દાવેદારોને નાણાં મળે નહીં એ માટે પણ પ્રયાસ કર્યા હતા, પરંતુ સર્વોચ્ચ અદાલતે એમની અરજીને ફગાવી દીધી છે.