હત્યાના પુરાવા વાંદરો લઈ ગયોઃ કોર્ટમાં પોલીસનો જવાબ  

જયપુરઃ પોલીસની લાપરવાહીની એક ઘટના સામે આવી છે. એક યુવકની હત્યા કેસમાં પોલીસે એકઠા કરેલા પુરાવાને વાંદરો લઈને ભાગી ગયો છે. જયપુરના ચંદવાજી પોલીસ વિસ્તારમાં આશરે આઠ વર્ષ પહેલાં થયેલી હત્યા મામલે જયપુર જિલ્લાની ADG-કોર્ટમાં પોલીસે ગળે ના ઊતરે એવો લેખિત જવાબ રજૂ કર્યો હતો. પોલીસનું કહેવું હતું કે હત્યામાં ઉપયોગમાં લેવામાં આવેલા ચાકુ સહિત અન્ય 15 ચીજવસ્તુઓને વાંદરો લઈને ભાગી ગયો છે. જેથી પોલીસ હત્યામાં વપરાયેલા હથિયાર રજૂ નથી કરી શકી. પોલીસના આ જવાબ પર કોર્ટે આશ્ચર્ય વ્યક્ત કરવાની સાથે નારાજગી પણ વ્યક્ત કરી હતી.

જયપુરના ચંદવાજી પોલીસ સ્ટેશન વિસ્તારમાં સપ્ટેમ્બર, 2016માં શશિકાંત શર્માનો મૃતદેહ એક પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં પડેલું મળ્યું હતું અને તે ત્રણ દિવસથી લાપતા હતો. એનો મૃતદેહ મળતાં તેના પરિવારના સભ્યો અને અન્ય લોકોએ જયપુર-દિલ્હી હાઇવે જામ કર્યો હતો.

પોલીસે પાંચ દિવસ પછી ચંદવાજી નિવાસી રાહુલ કંડેરા અને મોહનલાલ કંડેરની ધરપકડ કરીને તેમની પર હત્યાનો આરોપ લગાડ્યો હતો. તેમની પર એડિશનલ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં કેસ ચલાવવામાં આવ્યો હતો, પણ કોર્ટમાં પુરાવા રજૂ કરતી વખતે પોલીસે એક ઝાડની નીચે પુરાવા મૂક્યા હતા, કેમ કે પોલીસ સ્ટેશનના માલખાનામાં જગ્યા નહોતી. જ્યારે કોર્ટમાં પોલીસને પુરાવા રજૂ કરવા નિર્દેશ આપવામાં આવ્યા, ત્યારે પોલીસ અધિકારીએ કોર્ટમાં લેખિત નિવેદનમાં કહ્યું હતું કે પુરાવાની બેગ એક વાંદરો ચોરી ગયો છે.