ECની ‘પનોતી’ ટિપ્પણીને લઈને રાહુલ ગાંધીને નોટિસ

નવી દિલ્હીઃ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની મુશ્કેલીઓમાં વધારો થશે. રાજસ્થાનમાં ચૂંટણી પ્રચારમાં પનોતી શબ્દના પ્રયોગને લઈને ભાજપે ફરિયાદ કરી હતી. ભાજપની ફરિયાદ પર હવે ચૂંટણી પંચે કોંગ્રેસ નેતાને નોટિસ ફટકારી છે. ભાજપ તરફથી કરવામાં આવેલી ફરિયાદ અનુસાર રાહુલ ગાંધીએ એક સભામાં વડા પ્રધાન મોદી પર હુમલો કરતાં પનોતી, જેબ કતરા અને દેવાં માફી સંબંધી ટિપ્પણી કરી હતી. પંચે રાહુલ ગાંધીને 25 નવેમ્બર સુધી જવાબ આપવા નિર્દેશ આપ્યા હતા.

ભાજપે બુધવારે કોંગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી વિરુદ્ધ ચૂંટણી પંચમાં ફરિયાદ કરી કાર્યવાહીની માગ કરી હતી. પાર્ટી મહાસચિવ રાધા મોહન દાસ અગ્રવાલ અને અન્ય પદાધિકારી ઓમ પાઠક સહિત પ્રતિનિધિમંડળમાં સામેલ અન્ય નેતાઓએ રાહુલ ગાંધીના નિવેદનને અપમાનજનક ગણાવ્યું હતું.હકીકતમાં રાહુલ ગાંધીએ વિશ્વ કપ ક્રિકેટની ફાઇનલ મેચમાં ઓસ્ટ્રેલિયા સામે ભારતીય ટીમની હાર બાદ પીએમ મોદી વિરુદ્ધ પનોતી શબ્દનો ઉપયોગ કર્યો હતો.

ભાજપે ચૂંટણી પંચને આપેલા આવેદનમાં કહ્યું હતું કે જૂઠાણાંઓની જાળ ફેલાવવામાં સામેલ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને રાહુલ ગાંધીની ટિપ્પણી આ ગુનેગારો વિરુદ્ધ ફોજદારી કાર્યવાહી શરૂ કરવા અને કડક કાર્યવાહીની માગ કરે છે, કારણ કે તેમના આચરણમાં નૈતિક મૂલ્યોની સાથે-સાથે ચૂંટણી કાયદા અને આદર્શ આચાર સંહિતાના દિશા-નિર્દેશો માટે પણ કોઈ સન્માન નથી.  રાજસ્થાન વિધાનસભાની ચૂંટણી માટે 25 નવેમ્બરે મતદાન થશે. આજે સાંજે છ કલાકે નેતાઓની સભા, રોડ-શોનો દોર ખતમ થઈ જશે.