કેન્દ્ર સરકાર દ્વારા અપાતા પેન્શનની રકમમાં કોઈ ઘટાડો નહીં કરાય

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારના પેન્શનધારકો માટે ખુશખબર છે. કેન્દ્ર સરકારે કહ્યું છે કે કોરોના વાઈરસ કટોકટી સર્જાઈ હોવા છતાં કેન્દ્ર સરકાર દ્વારા ચૂકવાતા પેન્શનની રકમમાં કોઈ પણ પ્રકારનો ઘટાડો નહીં કરાય. પેન્શન રકમમાં 20 ટકા ઘટાડો કરાશે એવા સમાચાર ખોટા છે, એમ કેન્દ્રીય ગૃહ મંત્રાલયે કહ્યું છે.

કોરોના વાઈરસ રોગચાળાનો ફેલાવો રોકવા માટે હાલ દેશભરમાં લોકડાઉન લાગુ છે એ વચ્ચે પેન્શનની રકમમાં કાપ મૂકાવા અંગે અનેક પ્રકારની અફવાઓ ફેલાઈ રહી છે. એને કારણે પેન્શનધારકોમાં ગભરાટ ફેલાઈ ગયો છે.

લોકડાઉન સમયગાળા દરમિયાન રોકડનો પ્રવાહ જળવાઈ રહે એટલા માટે કેન્દ્ર સરકાર તેના કર્મચારીઓના પગારમાં અને નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં 20 ટકાનો કાપ મૂકવાની છે એવો દાવો કરતા અહેવાલો અનેક સોશિયલ મિડિયા પ્લેટફોર્મ્સ પર જોવા મળ્યા છે.

નાણાં મંત્રાલયે આજે ખુલાસો કર્યો છે કે કેન્દ્ર સરકારના પેન્શનમાં 20 ટકા કાપ મૂકાવા અંગેના અહેવાલો ખોટા છે. કેન્દ્ર સરકારના કર્મચારીઓના પગારમાં કે પેન્શનધારકોના પેન્શનની રકમમાં કોઈ પ્રકારનો કાપ મૂકાવાનો નથી.

કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારામને પણ એમનાં મંત્રાલયના ટ્વીટને શેર કર્યું છે.

એક ટ્વિટર યૂઝરે નિર્મલા સીતારામનનું ધ્યાન દોરતાં એમને પૂછ્યું હતું કે, ‘મેડમ કેન્દ્ર સરકારનો એક સર્ક્યૂલર સોશિયલ મિડિયામાં ફરી રહ્યો છે અને ટીવી ચેનલો ઉપર પણ બતાવાઈ રહ્યો છે, જેમાં એમ દર્શાવવામાં આવ્યું છે કે પેન્શનની રકમમાં 20 ટકા કાપ મૂકવામાં આવશે. આને કારણે પેન્શનધારકોમાં ગભરાટ ફેલાઈ ગયો છે. શું આ વાત સાચી છે? કૃપા કરીને તાકીદે ખુલાસો કરો. આભાર.’

એના જવાબમાં નિર્મલા સીતારામને નાણાં મંત્રાલયનાન એક ટ્વીટને ટાંક્યું હતું અને કહ્યું કે કેન્દ્ર સરકારના પેન્શનમાં 20 ટકા કાપ મૂકાવાના સમાચાર ખોટા છે. પેન્શનમાં કોઈ ઘટાડો કરાશે નહીં. એવી જ રીતે, કેન્દ્ર સરકારના કર્મચારીઓના પગારમાં પણ કોઈ કાપ મૂકાશે નહીં.