પટનાઃ ચૂંટણી પંચ (ECI) ને બિહારમાં મતદાર યાદીની વિશેષ ઊંડાણપૂર્વકની પુનઃસમીક્ષા (SIR) બાદ જાહેર કરાયેલ ડ્રાફ્ટ મતદાર યાદી પર કુલ 23,557 દાવા અને આક્ષેપો પ્રાપ્ત થયા છે, જેમાંથી 741 ફરિયાદોનું નિવારણ કરી દેવામાં આવ્યું છે, એમ પંચે જણાવ્યું હતું.
ECIએ જણાવ્યું હતું કે 14 દિવસ બાદ પણ કોઈ પણ રાજકીય પક્ષ દ્વારા કોઈ દાવો કે આક્ષેપ રજૂ કરવામાં આવ્યો નથી. 18 વર્ષ કે તેથી વધુ ઉંમરના નવા મતદારો પાસેથી કુલ 87,966 ફોર્મ પ્રાપ્ત થયા છે, જેમાં BLA પાસેથી પ્રાપ્ત છ ફોર્મ પણ સામેલ છે. નિયમો મુજબ પાત્રતા દસ્તાવેજોની ચકાસણી બાદ સાત દિવસની અંદર સંબંધિત ERO/AERO દ્વારા દાવા અને આક્ષેપોનું નિવારણ કરવાનું રહે છે.
SIRના આદેશો મુજબ 1 ઓગસ્ટ 2025એ પ્રકાશિત થયેલી ડ્રાફ્ટ યાદીમાંથી કોઈ પણ નામ ERO/AERO દ્વારા તપાસ કર્યા વગર અને નિષ્પક્ષ તથા યોગ્ય તક આપ્યા વગર તથા સ્પષ્ટ આદેશ આપ્યા વગર દૂર કરી શકાશે નહીં. ચૂંટણી પંચે બિહારમાં SIR પ્રક્રિયા બાદ 1 ઓગસ્ટે મતદાર યાદીની ડ્રાફ્ટ યાદી જાહેર કરી હતી. અંતિમ મતદાર યાદી દાવા અને આક્ષેપો માટે આપવામાં આવેલા એક મહિના બાદ જાહેર કરવામાં આવશે.
સુપ્રીમ કોર્ટએ બિહારમાં મતદાર યાદીની SIR કરાવવાના ચૂંટણી આયોગના નિર્ણયને પડકારતી અરજીઓ પર સુનાવણી શરૂ કરી હતી અને કહ્યું હતું કે ચૂંટણી પંચનું આ કહેવું સાચું છે કે આધાર કાર્ડ નાગરિકત્વનો નિશ્ચિત પુરાવો નથી.
ન્યાયમૂર્તિ સુર્યકાંત અને ન્યાયમૂર્તિ જૉયમાલ્યા બાગચીની પીઠે એ પણ ટિપ્પણી કરી હતી કે મતદાર યાદીમાં નાગરિકો અને ગેરનાગરિકોને સામેલ કરવાનું અને બહાર રાખવાનું ભારત ચૂંટણી પંચના અધિકાર ક્ષેત્રમાં આવે છે. સુપ્રીમ કોર્ટ આ દલીલથી પણ સહમત નહોતો કે બિહારના લોકો પાસે SIR દરમ્યાન ECI દ્વારા પુરાવા તરીકે માગવામાં આવેલા મોટા ભાગના દસ્તાવેજો નથી.


