‘હાલના પુરાવા જોતાં કોરોના-રસીના ચોથા-ડોઝની જરૂર નથી’

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારની ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) સંસ્થા ખાતે ચેપી રોગોના વિભાગના ભૂતપૂર્વ વડા ડો. રમણ ગંગાખેડકરનું કહેવું છે કે કોરોનાવાઈરસ અને તેના પ્રકારો વિશે હાલના પુરાવાને ધ્યાનમાં લેતાં મારું માનવું છે કે નાગરિકોને કોવિડ-19 રસીનો ચોથો ડોઝ આપવાની જરૂર નથી.

ડો. ગંગાખેડકરે ગઈ કાલે એક કાર્યક્રમ દરમિયાન પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું હતું કે જો કોઈ વ્યક્તિએ કોવિડ-19 પ્રતિરોધક રસીનો ત્રીજો ડોઝ લઈ લીધો હોય તો એનો મતલબ એ કે એની T-cell રોગપ્રતિકારક શક્તિ ત્રીજી વાર બળવાન થઈ ગઈ છે. મૂળ કોવિડ-19 વાઈરસ એટલો બધો બદલાયો નથી કે કોઈ નવી રસી લેવાની જરૂર પડે. તેથી આપણી T-cell ઈમ્યુન સિસ્ટમ પર ભરોસો રાખવો જોઈએ. કોરોનાવાઈરસ અને તેના પ્રકારોના હાલના પુરાવાને ધ્યાનમાં લેતાં મને એવું લાગે છે કે લોકોએ કોરોના રસીનો ચોથો ડોઝ લેવાની જરૂર નથી.