પ્રજાસત્તાક દિવસ: ઇજિપ્તના રાષ્ટ્રપતિ અબ્દેલ ફત્તહ અલ-સીસી દિલ્હી પહોંચ્યા

ઇજિપ્તના રાષ્ટ્રપતિ અબ્દેલ ફત્તહ અલ-સીસી મંગળવારે સાંજે દિલ્હી પહોંચી ગયા છે. એરપોર્ટ પર તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રપતિ અબ્દેલ ફત્તહ અલ-સીસી 74માં ગણતંત્ર દિવસની પરેડમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપશે. તેમની મુલાકાત દરમિયાન તેઓ ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર સાથે પણ મુલાકાત કરશે.

તેમની સાથે 24-27 જાન્યુઆરીની સત્તાવાર મુલાકાત માટે પાંચ મંત્રીઓ અને વરિષ્ઠ અધિકારીઓ સહિત ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ પણ છે. અબ્દેલ ફત્તહ અલ-સીસી નવી દિલ્હી પહોંચ્યા કે તરત જ તેમના સ્વાગત માટે પરંપરાગત લોકનૃત્યો રજૂ કરવામાં આવ્યા.

નોંધપાત્ર વાત એ છે કે, આ પ્રથમ વખત છે જ્યારે ઇજિપ્તના રાષ્ટ્રપતિને ગણતંત્ર દિવસ પર મુખ્ય અતિથિ તરીકે આમંત્રણ આપવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, ભારત અને ઇજિપ્ત આ વર્ષે રાજદ્વારી સંબંધોની સ્થાપનાના 75 વર્ષની ઉજવણી કરી રહ્યા છે. ભારતે તેના G20 પ્રેસિડેન્ટ દરમિયાન ઇજિપ્તને ‘ગેસ્ટ કન્ટ્રી’ તરીકે પણ આમંત્રણ આપ્યું છે.

વિદેશ મંત્રાલય દ્વારા જારી કરાયેલા નિવેદન અનુસાર રાષ્ટ્રપતિ અબ્દેલ ફતહ અલ-સીસીનું બુધવારે રાષ્ટ્રપતિ ભવનમાં સ્વાગત કરવામાં આવશે. તેઓ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને વિદેશ પ્રધાન એસ જયશંકર સહિત અન્યને મળવાના છે, જેમની સાથે તેઓ રાષ્ટ્રપતિ ભવનમાં બેઠક કરશે.