મુંબઈઃ વિવાદાસ્પદ નિવેદન કરીને હિન્દી ફિલ્મોના જાણીતા ગીતકાર જાવેદ અખ્તર ફસાયા છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ની સરખામણી તાલિબાન સાથે કરતા એમના નિવેદન સામે ભારતીય જનતા પાર્ટીના મહારાષ્ટ્રના નેતા રામ કદમે જોરદાર રીતે વિરોધ ઉઠાવ્યો છે. મુંબઈના ઘાટકોપર-વેસ્ટ મતવિસ્તારના ભાજપના વિધાનસભ્ય રામ કદમે કહ્યું છે કે આરએસએસ અને તાલિબાનની સરખામણી કરનાર જાવેદ અખ્તર સામે અમે પોલીસમાં ફરિયાદ નોંધીશું. અખ્તરે આરએસએસની માફી માગવી પડશે. એ હાથ જોડીને માફી નહીં માંગે ત્યાં સુધી અમે તેમની કે એમના પરિવારના કોઈ પણ સભ્યની ફિલ્મને રિલીઝ થવા નહીં દઈએ. એમનું નિવેદન શરમજનક છે એટલું જ નહીં પણ આરએસએસના કરોડો કાર્યકર્તાઓ માટે અપમાનજનક છે.
ઉલ્લેખનીય છે કે, જાવેદ અખ્તરે એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે આરએસએસનું સમર્થન કરનારાઓની માનસિકતા પણ તાલિબાનીઓ જેવી જ છે. આરએસએસનું સમર્થન કરનારાઓએ આત્મ પરીક્ષણ કરવું જોઈએ. તમે જેમનું સમર્થન કરો છો એના અને તાલિબાનમાં ફરક શું છે? બંનેની માનસિકતા સરખી જ છે. જાવેદ અખ્તર અભિનેત્રી શબાના આઝમીનાં પતિ છે અને અભિનેતા-નિર્માતા ફરહાન અખ્તર તથા નિર્દેશિકા ઝોયા અખ્તરનાં પિતા છે. રામ કદમના કાર્યાલય ખાતે ભાજપના કાર્યકર્તાઓએ આજે જાવેદ અખ્તર વિરુદ્ધ દેખાવો કર્યાં હતાં.