મુંબઈઃ બોલીવુડ સુપરસ્ટાર શાહરૂખ ખાનનો પુત્ર આર્યન ખાન કેફી દ્રવ્ય જપ્તી કેસમાં પકડાયો છે. નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરો (એનસીબી) એજન્સીએ તેની ધરપકડ કરી છે. હાલ એને આર્થર રોડ જેલમાં અદાલતી કસ્ટડીમાં રાખવામાં આવ્યો છે. એણે તેના વકીલ મારફત નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાઈકોટ્રોપિક સબસ્ટન્સીસ (એનડીપીએસ) કાયદા હેઠળની સ્પેશિયલ કોર્ટમાં જામીન માટે અરજી કરી છે. સ્પેશિયલ કોર્ટના સ્પેશિયલ જજ વી.વી. પાટીલે આર્યન ખાનની જામીન અરજી પર આજે સુનાવણી કરી હતી. એમણે આ અરજી સામે 13 ઓક્ટોબર સુધીમાં જવાબ નોંધાવવાનો એનસીબીને આદેશ આપ્યો છે.
એનસીબીના અમલદારોએ ગઈ 30 ઓક્ટોબરે ગોવા જતા એક ક્રૂઝ જહાજ પર ચાલી રહેલી રેવ પાર્ટી પર દરોડો પાડ્યો હતો. ત્યારે એમને આર્યન ખાન તથા અન્યો પાસેથી પ્રતિબંધિત કેફી દ્રવ્ય મળી આવ્યું હતું. એમણે આર્યન ઉપરાંત અરબાઝ મરચંટ અને મુનમુન ધામેચાની ધરપકડ કરી હતી. મુંબઈના એડિશનલ ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ આર.એમ. નાર્લિકરે આ ત્રણેય આરોપીની જામીન અરજી ગયા અઠવાડિયે નકારી કાઢી હતી અને એમને જેલમાં મોકલી દીધા છે. ત્યારે મેજિસ્ટ્રેટ નાર્લિકરે એમ કહ્યું હતું કે એનડીપીએસ કાયદા હેઠળ ત્રણ વર્ષ કે તેથી વધારે સમયની જેલની સજાની જોગવાઈ હોય એવા ગુના માટે જામીન અરજી પર મેજિસ્ટ્રેટ નિર્ણય લઈ ન શકે. એ માટે આરોપીએ સ્પેશિયલ કોર્ટમાં અરજી કરવી પડે. આર્યનના વકીલ અમિત દેસાઈએ કહ્યું કે એ તો સ્વાભાવિક છે કે જ્યારે કોઈ કોર્ટ જામીન અરજી નકારી કાઢે ત્યારે એના ચુકાદા સામે ઉંચી કોર્ટમાં અપીલ કરવી પડે. તેથી અમે એનડીપીએસ સ્પેશિયલ કોર્ટમાં અરજી કરી છે.