સુપ્રીમ કોર્ટમાં આર્ટિકલ 35-A પર સુનાવણી આગામી જાન્યુઆરી સુધી ટળી

નવી દિલ્હી- જમ્મુ અને કશ્મીર સાથે જોડાયેલા આર્ટિકલ 35-A પર આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી યોજાવાની હતી. જોકે આજે આ સુનાવણી સ્થગિત કરવામાં આવી છે. હવે પછી આર્ટિકલ 35-Aની સુનાવણી સુપ્રીમ કોર્ટમાં આગામી વર્ષે 19 જાન્યુઆરીના રોજ હાથ ધરવામાં આવશે.આપને જણાવી દઈએ કે, આ સમયે જમ્મુ-કશ્મીર સરકારે (હાલમાં રાજ્યપાલનું શાસન) સુપ્રીમ કોર્ટમાં ફરી એકવાર સોગંદનામું આપ્યું હતું. જેમાં જણાવવામાં આવ્યું હતું કે, રાજ્યની હાલની સ્થિતિ એવી નથી કે, આ કાયદા સાથે છેડછાડ કરી શકાય.

બીજી તરફ કશ્મીરમાં આજની સુનાવણી પહેલાં અલગતાવાદીઓએ બંધનું એલાન આપ્યું હોવાથી કશ્મીર ઘાટીમાં સ્થિતિ તણાવપૂર્ણ છે. જમ્મુના જુદાજુદા જિલ્લાઓના લોકો આર્ટિકલ 35-Aને લઈને પ્રદર્શન કરી રહ્યાં છે. જેમાં ખાસ કરીને પૂંછ, રાજૌરી, કિશ્તવાડ અને ડોડા જિલ્લાઓમાં લોકો આ મુદ્દે દેખાવો કરી રહ્યાં છે. રાજકીય પક્ષોની વાત કરીએ તો, આર્ટિકલ 35-Aને લઈને નેશનલ કોન્ફરન્સ, પીડીપી અને કોંગ્રેસે આર્ટિકલ 35-Aને નહીં હટાવવા માગણી કરી છે. જેને લઈને ઉપરાંક્ત પક્ષોએ સુપ્રીમ કોર્ટમાં તેમના વકીલોને પણ કામે લગાવ્યા છે.

આ ઉપરાંત પેન્થર પાર્ટી જમ્મુ-કશ્મીરમાંથી આર્ટિકલ 35-Aને હટાવવા સતત માગણી કરી રહી છે. અન્ય ઘણી સામાજિક સંસ્થાઓ પણ વિવિધ મંચના માધ્યમથી માગણી કરી રહ્યાં છે કે, જમ્મુ-કશ્મીરમાંથી આર્ટિકલ 35-A દૂર કરવામાં આવે. બીજી તરફ ભારતીય જનતા પાર્ટીએ જણાવ્યું કે, આ બાબત હાલમાં અદાલતમાં છે અને લોકોએ તેમના નિર્ણય માટે રાહ જોવી જોઈએ અને અદાલતના નિર્ણયનું સમ્માન કરવું જોઈએ.

એકંદરે કહી શકાય કે, રાજ્યના બન્ને ભાગ જમ્મુ પ્રદેશ અને કશ્મીર ઘાટી આ મુદ્દે વિવિધ માગણીઓમાં વહેંચાયેલા છે. તમામ રાજકીય પક્ષો આ મુદ્દે લાભ લેવા તૈયાર છે. પછી ચૂંટણી નગરપાલિકાની હોય અથવા પંચાયતની. આ ચૂંટણીથી એ જાણવા મળશે કે, ક્યા પક્ષનું વર્ચસ્વ કેટલું મજબૂત થશે. એક વાત તો સ્પષ્ટ છે કે, સ્થાનિક ચૂંટણીઓથી જમ્મુ-કશ્મીરમાં આગામી વિધાનસભા ચૂંટણી માટેનો પાયો રાખવામાં આવશે. અને આ જ કારણ છે કે, રાજ્યમાં આર્ટિકલ 35-Aનો મુદ્દો ગરમાયેલો છે.

આ ઘટનાક્રમ વચ્ચે જમ્મુ-કશ્મીર વિભાગ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ રવિન્દ્ર રૈનાએ જણાવ્યું કે, હાલમાં આર્ટિકકલ 35-Aનો મુદ્દો કોર્ટમાં વિચારણાને આધિન છે. પરંતુ ભારતીય જનતા પાર્ટી હમેશાથી ‘સૌનો સાથ સૌનો વિકાસ’ ઈચ્છતી રહી છે. પરંતુ 35-A આર્ટિકલ તેમ કરવામાં અવરોધ રુપ છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]