બેંગલુરુઃ તિરુપતિ મંદિરમાં મળતાં લાડુ પ્રસાદના ઘીમાં પ્રાણીઓની ચરબી મળવાની વાતથી દરેક જણ ચિંતિત છે. તેને હિંદુઓની આસ્થા પર મોટો હુમલો કહેવામાં આવી રહ્યો છે. આ વિવાદ બાદ હવે કર્ણાટક સરકાર પણ હરકતમાં આવી ગઈ છે.
કર્ણાટકની સિદ્ધારમૈયા સરકારે એક આદેશ જારી કર્યો છે, જેમાં રાજ્યના મંદિર તંત્ર એકમના અંતર્ગત આવતી તમામ 34,000 મંદિરોમાં નંદિની બ્રાન્ડના ઘીનો ઉપયોગ ફરજિયાત કરવામાં આવ્યો છે. કર્ણાટક સરકારના નવા આદેશ અનુસાર તેના અધિકાર વિસ્તારના અંતર્ગત આવતાં તમામ મંદિરોને મંદિરના અનુષ્ઠાનો, જેમ કે દીવો પ્રગટાવવો, પ્રસાદ તૈયાર કરવો અને ‘દસોહા ભવન’ (જ્યાં ભક્તોને ભોજન પીરસવામાં આવે છે)માં માત્ર નંદિની ઘીનો ઉપયોગ કરવો પડશે.
સરકારે મંદિરના કર્મચારીઓને આદેશ આપ્યો છે કે તે ધ્યાન રાખે કે પ્રસાદની ગુણવત્તા સાથે ક્યારેય સમાધાન ન કરવામાં આવે. કર્ણાટક રાજ્યના ધાર્મિક એન્ડોમેન્ટ્સ વિભાગ હેઠળ તમામ સૂચિત મંદિરોમાં, સેવાઓ, દીવાઓ અને તમામ પ્રકારની પ્રસાદની તૈયારી અને દસોહા ભવનમાં (ભક્તોને અપાતા ભોજનના ભવનમાં) માત્ર નંદિની ઘીનો ઉપયોગ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.
આ આદેશ તિરુપતિના પ્રસિદ્ધ વેંકટેશ્વર સ્વામી મંદિરમાં લાડુ બનાવવામાં કથિત રીતે પશુઓની ચરબીના ઉપયોગને લઈને થયેલા મોટા વિવાદ બાદ આવ્યો છે. આની વ્યવસ્થા તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ (TTD) કરે છે.
CM ચંદ્રબાબુ નાયડુએ પોતે આ આરોપ લગાવ્યો હતો કે YSR કોંગ્રેસ પાર્ટીની પાછલી સરકારમાં તિરુપતિ મંદિરમાં પ્રસાદ અને ભોગ માટે બનતા લાડુમાં ઘીની જગ્યાએ પશુઓની ચરબીનો ઉપયોગ કરવામાં આવતો હતો. જેના કારણે મંદિરની પવિત્રતા અને લોકોની આસ્થા સાથે ચેડાં થયા હતા. તિરુપતિ મંદિરમાં દૈનિક ધોરણે ત્રણ લાખ લાડુ બને છે.