ઈરાન પરમાણુ કરારને લઈને ઈઝરાયલના વડાપ્રધાને PM મોદી સાથે કરી વાત

જેરુસલેમ- ઈરાન સાથેના પરમાણુ કરારને યથાવત રાખવા અથવા રદ કરવાને લઈને આંતરરાષ્ટ્રીય સમુદાયનું સમર્થન મેળવવાના પ્રયાસના ભાગરુપે ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે વાત કરી હતી અને તેમને વર્તમાન ઘટનાક્રમથી માહિતગાર કર્યા હતા.ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂના મીડિયા સલાહકાર તરફથી જારી કરવામાં આવેલા એક નિવેદનમાં જણાવવામાં આવ્યું કે, બેન્જામિન નેતન્યાહૂએ ત્રણ મુખ્ય આંતરરાષ્ટ્રીય નેતાઓ ભારતના પીએમ નરેન્દ્ર મોદી, ઓસ્ટ્રેલિયાના પીએમ મૈલ્કમ ટર્નબુલ અને બ્રિટનના પીએમ થેરેસા મે સાથે આ અંગે વાત કરી હતી.

નેતન્યાહૂના મીડિયા સલાહકાર તરફથી જારી કરવામાં આવેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું કે, નેતન્યાહૂએ વૈશ્વિક નેતાઓ સાથે ક્ષેત્રીય મુદ્દાઓ પર ચર્ચા કરી અને તેમના વર્તમાન સ્થિતિથી અવગત કરાવ્યા. અને તેમને ઈરાનના પરમાણુ સંગ્રહના સંબંધમાં મહત્વપૂર્ણ સામગ્રી અંગે સ્પષ્ટતા કરી. આ અંગે નેતન્યાહૂએ મીડિયાને જણાવ્યું હતું કે, તેઓ 1 લાખથી વધુ દસ્તાવેજ શેર કરશે.

મળતી માહિતી મુજબ આ દસ્તાવેજને ઈઝરાયલની જાસુસી સંસ્થા મોસાદે તહેરાનના એક ગોડાઉનથી મેળવ્યા હતા. આ દસ્તાવેજ દ્વારા પરમાણુ હથિયાર એકત્ર કરવાના ઈરાન દ્વારા કરવામાં આવેલા પ્રયાસ કથિત રુપે સાબિત થાય છે.

નેતન્યાહૂએ રાજધાની જેરુસલેમમાં તેમની ઓફિસમાં પત્રકારોને જણાવ્યું કે, બ્રિટન, ફ્રાંસ અને જર્મનીના નેતાઓએ કહ્યું કે, તેઓ દસ્તાવેજ જોવા ઈચ્છે છે. તેમને એ જાણવામાં ઘણી રુચિ છે કે, દસ્તાવેજમાં શું સ્પષ્ટતા કરી છે. વધુમાં નેતન્યાહૂએ જણાવ્યું કે, લંડન, પેરિસ અને બર્લિનથી ખાનગી એજન્સી સાથે સંકળાયેલા અધિકારીઓ પ્રસ્તુત કરવામાં આવેલા દસ્તાવેજનું વિશ્લેષણ કરવા આગામી સપ્તાહે જેરુસલેમ આવશે.

ઈઝરાયલના વડાપ્રધાને મોસાદ દ્વારા મેળવવામાં આવેલા દસ્તાવેજ અંગે માહિતી આપવા ફ્રાન્સના પ્રેસિડેન્ટ ઈમૈનુઅલ મૈક્રોન, રશિયાના પ્રેસિડેન્ટ વ્લાદિમીર પુતિન અને જર્મન ચાંસલર એન્જેલા માર્કેલ સાથે વાત કરી હતી. નેતન્યાહૂએ કહ્યું કે, ‘મેં પુતિનને આમંત્રણ આપ્યું છે કે, તેઓ મોસાદ દ્વારા મેળવવામાં આવેલી સામગ્રી જોવા આવી શકે છે. ઉપરાંત મેં ચીન અને ઓમાનને (આંતરરાષ્ટ્રીય પરમાણુ ઉર્જા એજન્સીના પ્રમુખ) પણ નિમંત્રણ આપ્યું છે.