નવી દિલ્હીઃ PM મોદીની આગેવાની હેઠળ NDA સરકારનો શપથગ્રહણ કાર્યક્રમ શનિવારે યોજવાનો છે અને મોદીના શપથગ્રહણ કાર્યક્રમમાં શ્રીલંકા, નેપાળ, ભૂટાન અને મોરિશિયસ સહિત કેટલાય દેશોના રાષ્ટ્રાધ્યક્ષો હાજર થવાના છે, પણ ગઠબંધન સરકાર બને એ પહેલાં જ વિવાદોનો પ્રારંભ અત્યારથી જ થઈ ગયો છે.
NDA સરકારમાં સામેલ JDUએ મોટું નિવેદન આપતાં કહ્યું છે કે યુનિફોર્મ સિવિલ કોડ (UCC) પર અમારું વલણ જેમનું તેમ છે. JDUના મહા સચિવ અને પ્રવક્તા કેસી ત્યાગીએ કહ્યું હતું કે આ મામલે બધા સ્ટેકહોલ્ડરને સાથે લઈને ચાલવાની જરૂર છે. UCC પર નીતીશકુમારે વિધિ પંચના અધ્યક્ષને પત્ર લખ્યો હતો અને કહ્યું હતું કે અમે એની વિરુદ્ધ નથી, પણ એમાં વ્યાપક વિચારવિમર્શ કરવાની જરૂર છે, એમ તેમણે કહ્યું હતું.
અગ્નિવીર યોજનાનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું હતું કે અગ્નિવીર યોજનાને લઈને બહુ વિરોધ થયો હતો અને ચૂંટણીમાં પણ એની જોવા મળી છે. એના પર ફરીથી વિચાર કરવાની જરૂર છે. અગ્નિવીર યોજનાને નવી રીતે વિચારવાની આવશ્યકતા છે, જે સુરક્ષા કર્મચારીઓ હતા સેનામાં તહેનાત હતા અને જ્યારે અગ્નિવીર યોજના આવી તો યુવાનોમાં મોટા પાયે અસંતોષ હતો. મારું માનવું છે કે તેમના પરિવારજનોએ પણ ચૂંટણીમાં વિરોધ જારી કર્યો છે, એટલે એમાં નવા પ્રકારે વિચારવિમર્શ કરવાની જરૂર છે, એમ તેમણે કહ્યું હતું.
આ સાથે વન નેશન, વન ઇલેક્શનને સમર્થન કરતાં તેમણે કહ્યું હતું કે અમે એક દેશ એક ચૂંટણીની વાતને સમર્થન આપે છીએ. અમે લાંબા સમયથી માગ કરી રહ્યા છીએ કે જો બિહારથી પલાયન રોકવું હશે તો એને વિશેષ રાજ્યનો દરજ્જો આપવો જોઈએ, એમ તેમણે કહ્યું હતું.