NDA 15 રાજ્યો સહિત UTsમાં પાછળઃ રોકાણકારોના 26 લાખ કરોડ સ્વાહા

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીનાં પ્રારંભિક ચૂંટણી પરિણામો NDA માટે આંચકા સમાન છે. NDA ઉત્તર પ્રદેશ-બિહાર સહિત 15 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં મતગણતરીમાં પાછળ ચાલી રહ્યું છે. ભાજપ એકલા હાથે બહુમત હાંસલ કરતી નથી દેખાતી. જે પ્રમાણે ચૂંટણી પરિણામો આવી રહ્યાં છે એ મુજબ NDA માટે આ લડાઈ મુશ્કેલ થવાની છે. NDAને 2019માં સામાન્ય ચૂંટણીમાં કુલ 353 સીટો હાંસલ થઈ હતી.

લોકસભા ચૂંટણીમાં NDAને ઉત્તર પ્રદેશમાં સૌથી મોટો આંચકો લાગ્યો છે. UPમાં ભાજપને ચૂંટણી પરિણામોમાં કોંગ્રેસ ને SP ગઠબંધનથી કાંટાની ટક્કર મળી રહી છે. બિહારમાં NDA ગઠબંધન 31 સીટો પર આગળ છે, પરંતુ બાકીની સીટો પર ઇન્ડિયા ગઠબંધનમાં સામેલ RJD, કોંગ્રેસ અને ડાબેરી પક્ષ આગળ છે. મહારાષ્ટ્રમાં પણ NDA પાછળ છે. કોંગ્રેસ 11 સીટો પર આગળ હતી, જ્યારે ભાજપ પણ એટલી જ સીટો પર આગળ છે, પણ કોંગ્રેસ સાથે મળીને ચૂંટણી લડતા શિવસેના UBT 10 સીટો પર અને NCP શરદ પવાર આઠ સીટો પર આગળ છે, જ્યારે NDAમાં સામેલ મહારાષ્ટ્ર સરકારમાં સામેલ એકનાથ શિંદેની આગેવાની હેઠળ શિવસેના છ સીટો પર અને અજિત પવારની NCP એક સીટ પર આગળ છે.

બીજી બાજુ શેરબજારમાં ચૂંટણી પરિણામોથી ગભરાટ ફેલાયો છે. સેન્સેક્સ 5049.89 પોઇન્ટ એટલે કે  6.60 ટકા તૂટી ગયો છે, જ્યારે NSEનો 50 ઇન્ડેક્સ 1655 પોઇન્ટ એટલે કે 7.11 ટકા વધુ તૂટી ગયો હતો. બજારના નિષ્ણાતો અનુસાર ચૂંટણી પરિણામોની અસર બજાર જોઈ શકાય છે અને બજારમાં આગળ જતાં વધુ તૂટે એવી શક્યતા છે. રોકાણકારોના એક ઝટકામાં રૂ. 26 લાખ કરોડ ડૂબી ગયા છે.