મહારાષ્ટ્ર: ત્યારે શરદ પવારે જે કર્યું તે આજે ભત્રીજા અજીત પવારે કર્યું

મુંબઈઃ છેલ્લાં એક મહિનાથી મહારાષ્ટ્રના રાજકારણની ચોપાટમાં રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના સુપ્રીમો શરદ પવારના ભત્રીજા અજીત પવારે શનિવારે તેમના પક્ષને તોડી દીધો હતો. અજિત પવારે ભાજપને ટેકો આપ્યો છે અને ડેપ્યુટી સીએમ બન્યા છે. શરદ પવાર અને તેમનો પરિવાર જ નહીં, રાજકીય નિષ્ણાતો પણ આ ભત્રીજાના દાવથી આશ્ચર્યચકિત થયાં. કુટુંબ અને પાર્ટીના આ ભંગાણ પર શરદ પવારની પુત્રી સુપ્રિયા સૂળેએ કહ્યું છે કે હવે જીવનમાં કોનો ભરોસો કરવો, આવી રીતે ક્યારેય તેમની છેતરપિંડી કરવામાં આવી નથી. પરંતુ આ એક યોગાનુયોગ છે કે શરદ પવાર પણ બરાબર 41 વર્ષ પહેલાં 1978માં મુખ્યમંત્રીના સ્થાને પહોંચવા માટે અજિત પવારના માર્ગ પર ચાલ્યાં ગયાં હતાં. ત્યારે તેમણે જ પાર્ટી તોડી હતી.

દેશમાં કટોકટી પછી 1977ની લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ વડાંપ્રધાન ઇન્દિરા ગાંધીનો પરાજય થયો હતો અને જનતા પાર્ટીની સરકાર બની હતી. મહારાષ્ટ્રમાં પણ કોંગ્રેસ પાર્ટીએ ઘણી બેઠકો ગુમાવી હતી. આ પછી, રાજ્યના મુખ્યમંત્રી શંકરરાવ ચવ્હાણે હાર માટે નૈતિક જવાબદારી સ્વીકારીને તેમના પદ પરથી રાજીનામું આપ્યું હતું. વસંતદાદા પાટિલ તેમના પછી મહારાષ્ટ્રના મુખ્યમંત્રી બન્યાં. બાદમાં, કોંગ્રેસ તૂટી ગઈ અને પાર્ટી કોંગ્રેસ (યુ) અને કોંગ્રેસ (આઇ) માં વિભાજિત થઈ.

આ દરમિયાન શરદ પવારના ગુરુ યશવંત રાવ પાટિલ કોંગ્રેસ (યુ) માં જોડાયાં હતાં. શરદ પવાર પણ કોંગ્રેસ (યુ) માં જોડાયાં હતાં. 1978માં મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાઇ હતી અને કોંગ્રેસના બંને જૂથો અલગથી લડ્યાં હતા. બાદમાં જનતા પાર્ટીને સત્તાથી દૂર રાખવા માટે કોંગ્રેસના બંને જૂથોએ મળીને સરકાર બનાવી. વસંતદાદા પાટિલ મુખ્યમંત્રી રહ્યાં. શરદ પવાર આ સરકારમાં ઉદ્યોગ અને શ્રમ પ્રધાન બન્યાં

એવું કહેવામાં આવે છે કે જુલાઇ 1978માં શરદ પવારે પોતાના માર્ગદર્શકના કહેવાથી કોંગ્રેસ (યુ) થી પોતાને અલગ કરી દીધાં હતાં અને જનતા પાર્ટી સાથે ગઠબંધનની સરકાર બનાવી હતી. માત્ર 38 વર્ષની વયે શરદ પવાર રાજ્યના સૌથી યુવા મુખ્યમંત્રી બન્યાં. બાદમાં યશવંત રાવ પાટિલ પણ શરદ પવારની પાર્ટીમાં જોડાયાં હતાં. ફેબ્રુઆરી 1980 માં, ઈંદિરા ગાંધી સત્તા પર પાછા આવ્યાં પછી પવારની આગેવાની હેઠળની પ્રગતિશીલ ડેમોક્રેટિક ફ્રન્ટ સરકાર પડી..

હવે અજીત પવારે પણ તેના કાકા અને ગુરુ શરદ પવારની આગેવાની હેઠળની એનસીપી તોડી નાખી છે અને ભાજપ સાથે સરકાર બનાવી છે. કહેવામાં આવી રહ્યું છે કે એનસીપીના કુલ 54 54 ધારાસભ્યોમાંથી અજિત પવાર પાસે 35 ધારાસભ્યો છે. રાજકીય ગલીઓમાં ચર્ચા એ પણ છે કે શરદ પવાર પડદા પાછળનો ખેલ ભત્રીજા સાથે રહી રમ્યાં છે. જો કે શરદ પવારે ખુદ આ વાતનો ઇનકાર કર્યો છે.

શરદ પવારે ટ્વીટ કર્યું હતું કે ‘ભાજપને સરકાર બનાવવા માટે ટેકો આપવાનો અજિત પવારનો નિર્ણય તેમનો અંગત નિર્ણય છે, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીને તેની સાથે કંઈ લેવાદેવા નથી. અમે સત્તાવાર રીતે કહેવા માગીએ છીએ કે અમે (અજિત પવાર) આ નિર્ણયને સમર્થન આપતાં નથી અને સહમત નથી. ” બીજી તરફ, અજિત પવારે કહ્યું છે કે તેમણે આખી ઘટના પહેલાં પોતાના કાકા શરદ પવારને જાણ કરી હતી.

વિશ્લેષકોના મતે શરદ પવાર પાસે હવે બે વિકલ્પો બાકી છે. શરદ પવાર કાં તેના માર્ગદર્શકની જેમ ભત્રીજાની સાથે આવી શકે છે. જો તે તેમ કરે તો તેમની પુત્રી સુપ્રિયા સૂળે કેન્દ્ર સરકારમાં મંત્રી પદ મેળવી શકે છે. આરપીઆઈ નેતા રામદાસ આઠવલે પણ શરદ પવારને આ જ સૂચન કર્યું છે. બીજી તરફ, શરદ પવાર સમક્ષ બીજો વિકલ્પ તેમના ધારાસભ્યોને મનાવવાનો છે જેથી ભાજપ સરકારને વિધાનસભામાં બહુમતી ન મળે અને ભત્રીજાને નમવાની ફરજ પડી શકે. હવે શરદ પવારે આમાંથી એક વિકલ્પ પસંદ કરવો પડશે.

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]