સરકારી કર્મચારીઓને અપાશે ‘વર્ક ફ્રોમ હોમ’નો વિકલ્પ

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારના કર્મચારીઓને નજીકના ભવિષ્યમાં અલગ-અલગ વર્કીંગ અવર્સમાં કામ કરવાનું આવે તેવી શક્યતા છે અને એવું પણ શક્ય છે કે, કર્મચારીઓની હાજરી પણ ઓછી રહે. આને ધ્યાનમાં રાખતા સંબંધિત વિભાગો દ્વારા લોકડાઉન ખતમ થયા બાદ કર્મચારીઓ માટે ઘેરથી જ કામ કરવા મામલે એક રુપરેખા તૈયાર કરવામાં આવી રહી છે. આમાં કહેવામાં આવ્યું છે કે ડીઓપીટી અધિકારીઓ અને કર્મચારીઓને નીતિગત રુપથી 15 દિવસ માટે એમના ઘેરથી જ કામ કરવાનો વિકલ્પ આપવામાં આવી શકે છે. અત્યારે કેન્દ્ર સરકારના 48.34 લાખ કર્મચારીઓ છે.  કેન્દ્ર સરકારના તમામ વિભાગોને મોકલવામાં આવેલી એક રિલીઝ બાદ મંત્રાલયે કહ્યું કે, કોવિડ-19 વૈશ્વિક મહામારીએ સામાજીક અંતર બનાવી રાખવા માટે કેટલાય મંત્રાલયો માટે ઘરેથી કામ કરવાનો નિયમ અનિવાર્ય કર્યો છે. ભારત સરકારના ઘણા મંત્રાલયો અને વિભાગોએ રાષ્ટ્રીય સૂચના-વિજ્ઞાન કેન્દ્રની વિડીયો કોન્ફરન્સિંગ અને ઈ-કાર્યાલય સુવિધાઓનો લાભ ઉઠાવીને લોકડાઉન દરમિયાન વૈશ્વિક મહામારીને પહોંચી વળવામાં અનુકરણીય પરિણામો આપ્યા છે અને સફળતાપૂર્વક કામકાજ કર્યું છે.

મંત્રાલયે કહ્યું કે, એવી શક્યતા છે કે નજીકના ભવિષ્યમાં કેન્દ્રીય સચિવાલયમાં કર્મચારીઓની ઉપસ્થિતિ ઓછી રહે અને કાર્યસ્થળ પર સામાજીક અંતર જાળવી રાખવા માટે તેમને અલગ-અલગ વર્કિંગ અવર્સમાં કામ કરવું પડે. મંત્રાલયે કહ્યું કે, આના માટે લોકડાઉન પૂર્ણ થયા બાદ ઘરેથી જ સરકારી ફાઈલો અને સૂચનાઓને પ્રાપ્ત કરતા સૂચનાની સુરક્ષા સુનિશ્ચિત કરીને ઘરેથી કામ કરવા માટે એક બ્રોડ બ્લૂ પ્રિન્ટ ખૂબ મહત્વપૂર્ણ છે. આ અનુરુપ સરકારના કામકાજના સુચારુ સંચાલન માટે કર્મચારીઓ માટે નવી માનક સંચાલન પ્રક્રિયાઓ નક્કી કરવામાં આવી છે.

જે તે મંત્રાલય અથવા જે-તે વિભાગ કર્મચારીઓને લેપટોપ-ડેસ્કટોપના રુપમાં જે જરુરી સામાન છે તે ઉપ્લબ્ધ કરાવશે. તેમને ઘરેથી કામ કરતા ઈન્ટરનેટ સેવાઓ પણ ઉપ્લબ્ધ કરાવવામાં આવશે. જો જરુર પડશે તો આ મામલે અલગથી દિશા-નિર્દેશ પણ જાહેર કરવામાં આવી શકે છે. દિશા-નિર્દેશોના મુસદ્દામાં તમામ વીઆઈપી અને સંસદ સંબંધી મામલાઓ માટે વધારે પ્રોટોકોલનો પ્રસ્તાવ આપવામાં આવ્યો છે. આમાં કહેવામાં આવ્યું છે કે, આ મામલે એસએમએસ દ્વારા એલર્ટ મોકલવામાં આવશે. ડ્રાફ્ટમાં કહેવામાં આવ્યું છે કે, જે મંત્રાલય-વિભાગ ઈ-કાર્યાલય મોડ્યુલનો ઉપયોગ નથી કરી રહ્યા તેઓ સમયબદ્ધ રીતે પોતાના સચિવાલય અને કાર્યાલયોમાં આનો જલ્દી અમલ કરશે. અત્યારે આશરે 75 મંત્રાલય/વિભાગ ઈ-કાર્યાલય મંચનો સક્રિયતાથી ઉપયોગ કરી રહ્યા છે કે જેમાંથી 57 જેટલા મંત્રાલય/વિભાગોએ પોતાના કામના 80 ટકાથી વધારે લક્ષ્ય પ્રાપ્ત કર્યું છે.

જો કે, ઘરેથી કામ કરતા ગુપ્ત ડોક્યુમેન્ટ્સ કે ફાઈલો મેળવી શકાશે નહી. આમાં કહેવામાં આવ્યું છે કે, ગૃહ મંત્રાલયના નિર્દેશો અનુસાર ઈ-કાર્યાલય દ્વારા કોઈ ગુપ્ત સૂચના પર કામ નહી કરવામાં આવે. આના માટે ઘરેથી કામ કરવા દરમિયાન ઈ-કાર્યાલયમાં ગુપ્ત ફાઈલો પર કામ નહીં કરવામાં આવે. એનઆઈસી ગૃહ મંત્રાલય સાથે વિચાર-વિમર્શ કરીને ગુપ્ત ફાઈલ કે સૂચનાને પ્રાપ્ત કરવાના વર્તમાન સુરક્ષા પ્રોટોકોલનું આંકલન કરી શકે છે અને આના માટે કેટલાક દિશા-નિર્દેશો અને માનક સંચાલન પ્રક્રિયાનો પણ પ્રસ્તાવ આપી શકે છે.