રાહત પેકેજ વહેંચણીનો બીજો દિવસઃ શ્રમિકો, કિસાનોને લહાણી

નવી દિલ્હીઃ દેશમાં ‘આત્મનિર્ભર ભારત અભિયાન’ વિશે નાણાપ્રધાન નિર્મલા સીતારામને ગઈ કાલે કોરોના રાહત પેકેજના પહેલા હિસ્સામાં આશરે રૂ. છ લાખ કરોડની યોજનાઓ વિશે માહિતી આપી હતી. આજે નાણાપ્રધાને કોરોના રાહત પેકેજના બીજા તબક્કા વિશે માહિતી આપી હતી. તેમણે નવ પગલાંની જાહેરાત કરી હતી. આજે એમણે ખેડૂતો, મજૂરો, રસ્તા પરના ફેરિયાઓ, આદિવાસીઓ અને મધ્યમ વર્ગના પરિવારો વગેરે માટે અનેક જાહેરાતો કરી હતી. નાણાપ્રધાને કહ્યું હતું કે ખેડૂતો અને ગ્રામીણ અર્થતંત્ર માટે બેન્ક દ્વારા રૂ. 86,600 કરોડની કુલ 63 લાખ લોન પાસ થઈ છે. નાબાર્ડ, ગ્રામીણ બેન્ક અને કો-ઓપરેટિવ્સ દ્વારા રૂ. 29,500 કરોડનું રિફાઇનાન્સિંગ થયું છે. માર્ચ, 2020ના સમયગાળા માટે રૂરલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ ફંડ માટે રાજ્યોને રૂ. 4200 કરોડ આપવામાં આવ્યા છે. એની સાથે રાજ્ય સરકારોને કૃષિ ઊપજોની ખરીદી માટે માર્ચમાં રૂ. 6700 કરોડ આપવામાં આવ્યા છે.

ખેડૂતો માટે રૂ. 25,000 કરોડ લોનની ફાળવણી

નાણાપ્રધાને કહ્યું હતું કે અમે છેલ્લા કેટલાક સમયમાં ખેડૂતો માટે રૂ. 25,000 કરોડની લોનની જોગવાઈ કરી છે. તેમણે કહ્યું હતું કે ગત બે મહિનામાં રૂ. 25,000 કરોડની લોનની લિમિટની સાથે 25 લાખ નવા કિસાન કાર્ડને મંજૂરી આપવામાં આવી છે.

ખેડૂતો માટે લોનની વ્યવસ્થા

દેશના અઢી કરોડ ખેડૂતોને ઓછા વ્યાજે લોન આપવા માટે રૂ. બે લાખ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. કિસાન ક્રેડિટ કાર્ડના માધ્યમથી દેશના ખેડૂતો સસ્તા વ્યાજદરે લોન લઈ શકશે. આમાં ખેડૂતોની સાથે માછીમારો અને પશુપાલકોને પણ સામેલ કરવામાં આવ્યા છે. દેશના અઢી કરોડ ખેડૂતોને રૂ. બે લાખ કરોડની રોકડ ઉપલબ્ધ કરાવવામાં મદદ મળશે.

ખેડૂતોએ પણ EMI મોરેટોરિયમનો લાભ લીધો

4.22 લાખ કરોડ રૂપિયાની કૃષિ લોન માટે ત્રણ કરોડ ખેડૂતોને ત્રણ મહિના સુધી EMI મોરોટોરિયમ વિકલ્પનો લાભ અપાયો છે.

રાજ્યોને રૂ. 11,000 કરોડથી વધુની રકમ SDRF હેઠળ

નાણાપ્રધાન નિર્મલા સીતારામને કહ્યું હતું કે પ્રવાસી મજૂરો અને શહેરી ગરીબી લોકો માસે કેન્દ્ર સરકારે પાછલા બે મહિનામાં રાજ્ય સરકારોને સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડના રૂપમાં મોટી મદદ કરી છે. આમાં પ્રવાસી મજૂરો અને શહેરી ગરીબો માટે ખાવા-પીવાની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવાના પ્રયાસો કરવામાં આવ્યા છે. કેન્દ્ર સરકારે રાજ્યોને રૂ. 11,000 કરોડથી વધુ રકમ આપવામાં આવી છે. જે હેઠળ શહેરી ગરીબ અથવા બેઘર લોકોને દિવસમાં ત્રણ વાર જમવાનું ઉપલબ્ધ કરાવવાની વ્યવસ્થા કરવામાં આવી છે.

ત્રણ કરોડ માસ્ક અને સવા લાખ લિટર સેનિટાઇઝર

તેમણે કહ્યું હતું કે 12,000 સેલ્ફ હેલ્પ ગ્રુપે ત્રણ કરોડ માસ્ક અને સવા લાખ લિટર સેનિટાઇઝર બનાવ્યાં છે. આનાથી અનેકને રોજગારી મળી છે. ત્યાર બાદ રિવોલ્વિંગ ફંડના સ્વરૂપે સેલ્ફ હેલ્પ ગ્રુપને ઘણી મદદ કરવામાં આવી છે. શહેરી ગરીબોના 7200 સેલ્ફ-હેલ્પ ગ્રુપ બનાવવામાં આવ્યા છે, જેનાથી તેમને રોજગાર ઉપલબ્ધ કરાવવામાં મદદ મળી શકે.

આઠ કરોડ પ્રવાસી મજૂરોને આગામી બે મહિના ફ્રી કરિયાણું

દેશમાં આઠ કરોડ એવા પ્રવાસી મજૂરો જે ન તો NFSAના લાભાર્થી છે અને ન તો સ્ટેટ કાર્ડના લાભાર્થી છે, તેમને આગામી બે મહિના સુધી પ્રતિ વ્યક્તિ પાંચ કિલો ચોખા અથવા ઘઉં, એક કિલો ચણા દાળ ફ્રી મળતી રહેશે. આને લાગુ કરવાની જવાબદારી રાજ્ય સરકારોની છે. એના માટે રૂ. 3500 કરોડની ફાળવણી સરકારે કરી છે.

‘વન નેશન, વન રેશનકાર્ડ’

‘વન નેશન, વન રેશનકાર્ડ’ યોજના લાગુ થવા પર કોઈ પણ વ્યક્તિ દેશના ગમે એ ખૂણામાંથી રેશન કાર્ડનો ઉપયોગ કરી શકશે અને રાશન PDS દુકાનોથી મેળવી શકશે.

મુદ્રા શિશુ લોન માટે રૂ. 1500 કરોડ

મુદ્રા શિશુ લોન લેવાવાળાઓને વ્યાજમાં રૂ. 1500 કરોડની વ્યાજરાહત સરકાર આપશે. આ લોનધારકોને વ્યાજ પર એક વર્ષ માટે બે ટકાની રાહત મળશે. આ યોજના દ્વારા ત્રણ કરોડ લોકોને લાભ મળશે.

સ્ટ્રીટ વેન્ડર્સ માટે રૂ. 5000 કરોડની સ્પેશિયલ ક્રેડિટ સુવિધા

રેંકડીવાળા, રેલવેના પાટા પાસે સામાન વેચતા, ઘરોમાં કામ કરતા લોકો સહિત બધા સ્ટ્રીટ વેન્ડર્સ માટે રૂ. 5000 કરોડની સ્પેશિયલ ક્રેડિટ સુવિધા લાવવામાં આવી છે. એને એક મહિનામાં લોન્ચ કરાશે. એના હેઠળ રૂ. 10,000 સુધી ઇનિશિયલ વર્કિંગ કેપિટલ લઈ શકશે. આનાથી 50 લાખ સ્ટ્રીટ વેન્ડર્સને લાભ મળશે.

અફોર્ડેબલ હાઉસિંગ માટેની જાહેરાત

6-18 લાખ સુધીની આવકવાળાઓ માટે હાઉસિંગ ક્ષેત્રનો લાભ મળી શકે, એના માટે રૂ. 70,000 કરોડનાં પ્રોત્સાહનો અપાશે. ક્રેડિટ લિન્ક્ડ સબસિડી સ્કીમને 31 માર્ચ, 2021 મસુધી વધારવામાં આવી છે. અઢી લાખથી વધુ મધ્યમ પરિવારોને લાભ મળશે

આદિવાસીઓ માટે રોજગાર અવસર

આદિવાસીઓ માટે રોજગાર તક ઊભી કરવા માટે રૂ. 6000 કરોડની યોજનાને કોમ્પેન્સેટરી મેનેજમેન્ટ એન્ડ પ્લાનિંગ ઓથોરિટી ફંડ્સ હેઠળ ટૂંક સમયમાં મંજૂરી આપવામાં આવશે.

મનરેગામાં રૂ. 10,000 કરોડનો ખર્ચ કરાયો

પ્રવાસી મજૂરો વિશે નાણાપ્રધાને કહ્યું છે કે સરકારે પ્રવાસી મજૂરો માટે અનેક વ્યવસ્થા કરી છે. પ્રવાસી મજૂરો માટે મનરેગાના માધ્યમથતી તેમને સપોર્ટ કરવાની કોશિશ કરી છે. 13 મે, 2020 સુધી રાજ્યોમાં રૂ. 14.62 કરોડના કામકાજના દિવસ બનાવવામાં આવ્યા છે. અત્યાર સુધી પ્રવાસી મજૂરો માટે મનરેગામાં રૂ. 10,000 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. માત્ર આ સપ્તાહે બુધવાર સુધી 1.87 લાખ ગ્રામ પંચાયતમાં 2.33 કરોડ કામ શોધવાવાળા લોકોને કામ આપવામાં આવ્યાં છે.

ખેડૂતોને રૂ. 30,000 કરોડની લોનની ફાળવણી

કેન્દ્ર સરકાર નાબાર્ડના માધ્યમથી વધારાની ઇમર્જન્સી કામકાજ માટેની મૂડી ફન્ડિંગ ઉપલબ્ધ કરાવાશે. ખેડૂતોને આ જોગવાઈ હેઠળ રૂ. 30,000 કરોડની વધુ લોન મળી શકશે. નાના અને સીમાંત ખેડૂતોની પાસે નાણાકીય સંસાધન ના હોવાને કારણે તેમને આ મદદ આપવામાં આવી રહી છે. ક્ષેત્રીય ગ્રામીણ બેન્ક અને ગ્રામીણ સહકારી બેન્ક તેમના માટે ફંડનો સ્રોત છે. નાબાર્ડ રિફાઇનાન્સિંગ સપોર્ટને રૂરલ ઓ-ઓપરેટિવ બેન્ક અને ક્ષેત્રીય ગ્રામીણ બેન્ક સુધી પહોંચાડવામાં મદદ કરશે. એ નાબાર્ડ દ્વારા નોર્મલ રિફાઇનાન્સિંગ રૂટના રૂપમાં રૂ. 90,000 કરોડની મદદ સિવાયના છે.