બેરોજગાર યુવાનો માટે ભારતીય સેના લાવી છે ‘Tour of Duty’

નવી દિલ્હીઃ ભારતીય સેના દેશના યુવાનો માટે ત્રણ વર્ષનો એક ઇન્ટર્નશિપ પ્રોગ્રામ લઈને આવી છે, જેમાં ઓફિસર અને સોલ્જર બંનેની પોસ્ટ સામેલ છે. ‘રાષ્ટ્રવાદ અને દેશભક્તિ’નો યુવાનોમાં જુસ્સો ટકાવી રાખવાના ઉદ્દેશથી આ નવો પ્લાન તૈયાર કરવામાં આવી રહ્યો છે.  ભારતીય સેના માને છે કે દેશમાં બેરોજગારી એક વાસ્તવિકતા છે, જેથી સેનાએ યુવાનો માટે ત્રણ વર્ષનો ઇન્ટર્નશિપ પ્રોગ્રામ નક્કી કર્યો છે. આ પ્રસ્તાવ અનુસાર એ નાની અને સ્વૈચ્છિક ઇન્ટર્નશિપ ‘Tour of Duty’ એવા યુવકો માટે છે જે સુરક્ષા સર્વિસિસને પોતાનું પ્રોફેશન બનાવવા નથી ઇચ્છતા, પણ ફરીથી સેનાની સેવાઓનો રોમાંચ અનુભવવા ઇચ્છે છે.

એડમિશનના માપદંડોમાં ઢીલ નહીં

જોકે આવા ઉમેદવારો માટે એડમિશનના માપદંડોમાં ઢીલ નહીં મૂકવામાં આવે. સેનાના પ્રવક્તા કર્નલ અમન આનંદે પુષ્ટિ કરી હતી કે આ પ્રકારના પ્રસ્તાવ પર ચર્ચા કરવામાં આવી રહી છે અને એ વાત પર ભાર આપવામાં આવે છે કે જો એનો સ્વીકાર કરવામાં આવશે તો  ‘Tour of Duty’ ફરજિયાત નહીં હોય.

સેના દ્વારા જારી કરવામાં આવેલી નોટ અનુસાર સૌથી જરૂરી વાત એ છે કે આ પ્રસ્તાવને સરકાર, આર્મ્ડ ફોર્સિસ, કોર્પોરેટ તથા સ્ટુડન્ટ્સ બધા માટે આકર્ષક બનાવાવાનો છે. સેનાનું કહેવું છે કે એ યુવાનો તેમની ઊર્જા અને તેમની ક્ષમતાનો સકારાત્મક ઉપયોગ લાવવામાં મદદ કરશે અને કઠોર સૈન્ય પ્રશિક્ષણ અને આદતોને તેમના જીવનનો હિસ્સો બનાવવા માટે પ્રેરિત કરશે.

પર્મનન્ટ રિક્રુટમેન્ટ નહીં

સેનાનું કહેવું છે કે પર્મનન્ટ રિક્રુટમેન્ટ ન હોવાને કારણે ઉમેદવારોના પગાર અને ગ્રેચ્યુઇટીમાં થનારી બચત સેના માટે એક મોટો નાણાકીય લાભ હશે. દરેક અધિકારીની ત્રણ વર્ષની સર્વિસનો ખર્ચ શોર્ટ સર્વિસ કમિશન (SSC)ના અધિકારીઓ પર થતા ખર્ચના એક હિસ્સાના બરાબર હશે. એક ઓફિસર જે 10થી 14 વર્ષની ડ્યુટી પછી સર્વિસ છોડે છે, એના પર થતો ખર્ચ રૂ. પાંચ કરોડથી રૂ. 6.8 કરોડ સુધી થાય છે, જેમાં પ્રી-કમિશન, પગાર, ભથ્થાં, ગ્રેચ્યુઇટી તથા લીવ એન્કેશમેન્ટ  વગેરે સામેલ છે. સેનાનો અંદાજ છે કે ત્રણ વર્ષની સર્વિસ માટે પ્રતિ ઓફિસર ખર્ચ રૂ. 80-85 લાખ થશે.

કોર્પોરેટ ક્ષેત્ર માટે લાભકારક

એવું અનુમાન છે કે સમગ્ર દેશમાં ત્રણ વર્ષની ઇન્ટર્નશિપ કરેલી પ્રશિક્ષિત, અનુશાસિત, આત્મવિશ્વાસ, મહેનતુ અને પ્રતિબદ્ધ, યુવા પુરષો અને મહિલાઓને લાભ થશે અને એક શરૂઆતના સર્વેએ સંકેત આપ્યો હતો કે કોર્પોરેટ ક્ષેત્ર પણ ફ્રેશર્સને બદલે ઇન્ટર્નશિપ કરેલા ટ્રેન્ડ ગ્રેજ્યુએટ્સને નોકરીએ રાખવાનું વધુ પસંદ કરશે.  આ બધું ધ્યાનમાં રાખતાં પ્રસ્તાવિત યોજના સીમિત જગ્યાઓની સાથે હાલમાં પરીક્ષણને આધારે થશે. સેનાએ કહ્યું છે કે જો એ સફળ થશે તો એનો મોટા પાયે વિસ્તાર કરવામાં આવશે.