મુંબઈઃ જોખમી ઈમારતોના સમારકામનો માર્ગ મોકળો થયો

મુંબઈઃ મહાનગરમાં જર્જરિત અને જોખમી બની ગયેલી ઈમારતોનું તત્કાળ સમારકામ કરવા માટેનો માર્ગ મોકળો બની ગયો છે. આવી ઈમારતોનું રીપેરિંગ કામ હાથ ધરવા માટે હવે પરવાનગીની જરૂર નહીં રહે, એવી સ્પષ્ટતા મહાનગરપાલિકાએ કરી છે.

હાલ કોરોના વાઈરસનો ફેલાવો રોકવા માટે લોકડાઉન ચાલુ છે ત્યારે બાંધકામની પ્રવૃત્તિઓ ઠપ છે. એને કારણે જોખમી અવસ્થામાં આવી ગયેલી ઈમારતોની મરમ્મત કરવામાં આવશે નહીં એવો સાધારણ ખ્યાલ પ્રવર્તે છે. પરંતુ મુંબઈ મહાનગરપાલિકાએ ગઈ 12 મેએ એક પરિપત્ર બહાર પાડીને સ્પષ્ટ કર્યું છે કે જોખમી બની ગયેલી ઈમારતોનું દુરસ્તીકામ કરવા માટે મહાપાલિકા પાસેથી કોઈ પણ પ્રકારની પરવાનગી લેવાની જરૂર નથી.

પરંતુ, આ રીપેરિંગ કામ કરતી કે કરાવતી વખતે સુરક્ષાને લગતા નિયમોનું કડક રીતે પાલન કરવાનું રહેશે. જે મકાનોનું બાંધકામ શરૂ કરવામાં આવ્યું છે એનું ચોમાસા પૂર્વેનું કામ કરવાની મંજૂરી અગાઉ આપવામાં આવી જ હતી. પરંતુ એમાં રાજ્ય સરકારે અમુક જટિલ શરતો મૂકતાં તે વિશે ગૂંચવણ ઊભી થઈ હતી. એને લીધે મહાપાલિકાએ ઉપર જણાવેલો પરિપત્ર બહાર પાડીને સ્પષ્ટીકરણ કર્યું છે.

જે બાંધકામ સાઈટ પર મજૂર ઉપલબ્ધ હોય ત્યાં માર્ગદર્શિકા અનુસાર ચોમાસા પૂર્વેનું આવશ્યક કામકાજ અને દુરસ્તીકામ હાથ ધરવાની પરવાનગી આપવામાં આવી છે.

એવી કન્સ્ટ્રક્શન સાઈટ્સ પર અન્ય કર્મચારીઓ માટે પ્રવાસ-પાસની આવશ્યક્તા રહેશે. એમએમસી એક્ટની કલમ 342 અંતર્ગત ઈમારતોમાં સમારકામ, વોટર પ્રૂફિંગ, જોખમી બની ગયેલા ભાગને તોડી પાડવા જેવી કામગીરીઓ હાથ ધરવા માટે મહાપાલિકાની પરવાનગી લેવાની જરૂર નહીં રહે.

સાથોસાથ, અત્યંત જોખમી જાહેર કરાયેલી ઈમારતમાં રહેતા રહેવાસીઓને સુરક્ષિત સ્થળોએ ખસેડવાની કાળજી પણ લેવાની રહેશે, એવું આ આદેશમાં જણાવવામાં આવ્યું છે.

હાલ લોકડાઉનને કારણે ઘણા પ્રોજેક્ટોમાં કોન્ટ્રાક્ટરની નિમણૂકમાં મુશ્કેલી પડી રહી છે તેમજ ઘણા પરપ્રાંતિય કામદારો પોતપોતાના વતન પાછા જતા રહ્યા છે એટલે મુંબઈમાં બાંધકામો અટકી ગયા છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]