મુંબઈમાં કોરોના લોકડાઉન 31 મે સુધી લંબાવાયું

મુંબઈઃ મહારાષ્ટ્ર સરકારે મુંબઈ મેટ્રોપોલિટન રીજન (MMR), પુણેમાં કોરોના વાઈરસ વિરોધી લોકડાઉનની મુદતને 31 મે સુધી લંબાવી દીધી છે.

MMRમાં સમગ્ર મુંબઈ શહેર (ઉપનગરો સહિત) તેમજ પડોશના થાણે, નવી મુંબઈ અને મીરા રોડ તથા વિરારની વચ્ચે આવતા વિસ્તારોનો પણ સમાવેશ થાય છે. આ બધે જ 31 મે સુધી લોકડાઉન લાગુ રહેશે.

મહારાષ્ટ્રમાં કુલ 36 જિલ્લા છે. એમાંના 13 જિલ્લાનો સમાવેશ રેડ ઝોનમાં કરાયો છે.

આ જિલ્લાઓ છેઃ મુંબઈ, મુંબઈ સબર્બન, પુણે, થાણે, નાશિક, પાલઘર, સોલાપુર, યવતમાલ, ઔરંગાબાદ, સતારા, ધૂળે, અકોલા અને જળગાંવ.

16 જિલ્લાઓનો સમાવેશ ઓરેન્જ ઝોનમાં કરાયો છે. આ જિલ્લાઓ છેઃ રાયગડ, અહમદનગર, અમરાવતી, બુલઢાણા, નાંદુરબાર, કોલ્હાપુર, હિંગોલી, રત્નાગિરી, જાલના, નાંદેડ, ચંદ્રાપુર, પરભણી, સાંગલી, લાતુર, ભંડારા, બીડ.

ગ્રીન ઝોનવાળા જિલ્લાઓ છેઃ ઉસ્માનાબાદ, વાશિમ, વર્ધા, ગડચિરોલી, સિંધુદૂર્ગ, ગોંદિયા.

મુંબઈમાં 24 વોર્ડમાં 2,651 કન્ટેનમેન્ટ વિસ્તારો (ઝોન) છે. આ ઝોનને પણ ચાર ભાગમાં વહેંચી દેવામાં આવ્યા છે – બ્લુ, ઓરેન્જ, રેડ અને રેડ પ્લસ. બ્લુ રંગ કેટેગરી સૂચવે છે કે આ કન્ટેનમેન્ટ ઝોનની સંભાળ લઈ શકાય એમ છે. ઓરેન્જ ઝોનનો અર્થ એ કે ત્યાં ઓછામાં ઓછો એક કોરોના વાઈરસ દર્દી છે. રેડ ઝોનમાં કોરોનાના 2-7 દર્દીઓ હોય જ્યારે રેડ પ્લસ ઝોનમાં સાતથી વધારે દર્દી હોય.

મુંબઈ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે કહ્યું છે કે કન્ટેનમેન્ટ ઝોનમાં 1,153 મકાન બ્લુ કેટેગરીમાં છે, ઓરેન્જ કેટેગરીમાં 1,035 મકાનો છે, રેડ કન્ટેનમેન્ટમાં 373 મકાનો છે અને રેડ પ્લસ કન્ટેનમેન્ટ ઝોનમાં 90 મકાનો છે.

કોરોના વાઈરસ બીમારીને ફેલાતી રોકવા માટે દેશભરમાં ગઈ 25 માર્ચથી લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. એને બે વાર લંબાવવામાં આવ્યું છે – પહેલાં 14 એપ્રિલે અને ત્યારબાદ 4 મેએ. લોકડાઉનનો ત્રીજો તબક્કો 17 મેએ પૂરો થાય છે, પરંતુ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રજોગ સંબોધનમાં જણાવ્યું હતું કે કોરોના-લોકડાઉન 18 મેથી ચોથા તબક્કામાં જશે તેમજ એ તબક્કો પાછલા ત્રણેય તબક્કા કરતાં નવા જ પ્રકારનો હશે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]