વાનખેડે સ્ટેડિયમનો ‘ક્વોરેન્ટાઇન સેન્ટર’ માટે ઉપયોગ કરાશે

નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાઇરસ રોગચાળો ઘણો ઝડપથી પ્રસરી રહ્યો છે. દેશમાં કોરોના વાઇરસનું કેન્દ્ર મહારાષ્ટ્ર કેન્દ્ર બનેલું છે. ખાસ કરીને મુંબઈ સૌથી વધુ કેસ ધરાવતું શહેર છે. આવામાં આ વાઇરસ સામે લડવા માટે અને લોકોની મદદ માટે મુંબઈના ઐતિહાસિક ક્રિકેટ સ્ટેડિયમ એટલે કે વાનખેડે સ્ટેડિયમને ક્વોરોન્ટાઇન સેન્ટર માટે ઉપયોગ કરવામાં આવશે. આના માટે BMCએ મુંબઈ ક્રિકેટ એસોસિયેશનને પણ પણ લખ્યો છે.

BMCએ MCAને આદેશ આપ્યો

બૃહન્મુંબઈ મહાનગરપાલિકા (BMC)એ મુંબઈ ક્રિકેટ એસોસિયેશન (MCA)ને આદેશ આપ્યો છે કે વાનખેડે સ્ટેડિયમને ક્વોરોન્ટાઇન ફેસિલિટી માટે હેન્ડ ઓવર કરવામાં આવે. આવું એટલા માટે કરવામાં આવ્યું છે કેમ કે મુંબઈમાં કોવિડ-19ના કેસ ઝડપથી વધી રહ્યા છે. અહેવાલ મુજબ MCAના અધિકારીઓને ગઈ કાલે BMCએ પત્ર જારી કરતાં કહ્યું હતું કે તત્કાળ પ્રભાવથી સ્ટેડિયમને ક્વોરોન્ટાઇન સેન્ટર સોંપવા માટે કહ્યું હતું.

MCA  સ્ટેડિયમ સોંપવા તૈયાર

‘A’ વોર્ડના આસિસ્ટન્ટ કમિશનર ચંદ્રા આર જાધવ દ્વારા કરવામાં આવેલા પત્રમાં કહેવામાં આવ્યું હતું કે પરિસરનો ઉપયોગ ‘A’ વોર્ડના  ઇમર્જન્સી કર્મચારીઓ માટે કરવામાં આવશે અને જે લોકો કોવિડ-19 રોગીઓના સંપર્કમાં આવ્યા છે અને સંક્રમિત નથી થયા, તેમને ક્વોરોન્ટાઇન કરવામાં આવશે. MCA ના સચિવ સંજય નાઇકે કહ્યું હતું કે ક્રિકેટ સંઘ આસિસ્ટન્ટ કમિશનરના આદેશોનું પાલન કરશે.