મુંબઈ એરપોર્ટને ફૂંકી મારવાની ધમકી આપનારને કેરળમાંથી પકડ્યો

મુંબઈઃ ‘48 કલાકની અંદર 10 લાખ ડોલર બિટકોઈનમાં આપો નહીં તો મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટના ટર્મિનલ-2ને બોમ્બથી ઉડાવી દઈશું’ એવી ગઈ કાલે ઈમેલ મારફત ધમકી આપનારને મહારાષ્ટ્ર એન્ટી-ટેરરિસ્ટ સ્ક્વોડ (એટીએસ)ના અધિકારીઓએ કેરળમાંથી પકડી લીધો છે. ઈમેલ મળ્યા બાદ મુંબઈ પોલીસે તપાસ મહારાષ્ટ્ર એટીએસને સોંપી હતી. એટીએસ અમલદારોએ શોધી કાઢ્યું હતું કે આરોપી તિરુવનંતપુરમ છે. એમણે ત્યાં જઈને આરોપીને પકડી લીધો છે.

મુંબઈ પોલીસે કહ્યું હતું, આ ધમકી સહાર પોલીસના ઈમેલ આઈડી પર મળી હતી. આ ધમકી quaidacasrol@gmail.com આઈડીનો ઉપયોગ કરીને મોકલવામાં આવી હતી. પોલીસે ભારતીય ફોજદારી કાયદાની કલમ 385 (જબરદસ્તીથી પૈસા વસૂલ કરીને કોઈને ઈજા પહોંચાડવાનો ડર બતાવવો) અને 505 (1) (બી) (જનતામાં ડર પેદા કરવા અથવા સાર્વજનિક શાંતિ વિરુદ્ધ ભય પેદા કરવાના ઈરાદે નિવેદન કરવા) અંતર્ગત અજ્ઞાત વ્યક્તિ વિરુદ્ધ કેસ નોંધીને તપાસ શરૂ કરી હતી. આ ઈમેલ ગુરુવારે સવારે લગભગ 11 વાગ્યે છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટની સંચાલક કંપની અદાણી એરપોર્ટ હોલ્ડિંગ લિમિટેડની પેટાકંપની મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડ (MIAL)ના ફીડબેક ઈનબોક્સમાં મોકલવામાં આવી હતી. ઈમેલમાં લખવામાં આવ્યું હતું: ‘વિષયઃ બ્લાસ્ટ. આ તમારા એરપોર્ટ માટે આખરી ચેતવણી છે. જો એડ્રેસ પર બિટકોઈનમાં 10 લાખ ડોલર ટ્રાન્સફર નહીં કરાય તો અમે 48 કલાકમાં ટર્મિનલ-2ને વિસ્ફોટ કરીને ઉડાવી દઈશું. એક વધુ એલર્ટ 24 કલાક પછી આવશે.’

આ ધમકીને ગંભીરતાથી લઈને એરપોર્ટ તથા આસપાસના વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે. પોલીસે જે આઈપી એડ્રેસ પરથી ઈમેલ મોકલવામાં આવ્યો હતો તેનો પતો લગાવી લીધો છે.