રફાલ મુદ્દે PM મોદીનો પ્રહારઃ ચોકીદારને રસ્તામાંથી હટાવવા ઈચ્છે છે ચોરોની જમાત

ઓડિશા– વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઓડિશાના બારીપદામાં એક જાહેરસભાને સંબોધન કરતાં કહ્યું હતું કે રફાલ ડીલ પર કોંગ્રેસ અને તેમના પ્રમુખ રાહુલ ગાંધી પર વળતો પ્રહાર કર્યો હતો. પીએમે કહ્યું હતું કે કેટલીક તાકાતો કોઈપણ કીમત પર ચોકીદારને રસ્તા પરથી હટાવી દેવા માગે છે. કારણ કે જ્યાં સુધી ચોકીદાર છે, ત્યાં સુધી ચોરોની દાળ ગળતી નથી. પીએમ મોદીએ કહ્યું હતું કે સોસાયટી હોય કે ફલેટ, કારખાના હોય કે મોહલ્લા… ચોર સૌથી પહેલાં ચોકીદારને હટાવવા માટે ષંડયત્ર રચે છે, કારણ કે ચોકીદાર હાજર હોવાથી તેમની દાળ ગળતી નથી.

પીએમ મોદીએ કોંગ્રેસ પર દેશની આંખોમાં ધૂળ ફેંકવાનો આરોપ લગાવ્યો હતો. પીએમ મોદીએ કહ્યું હતું કે સંસદના પવિત્ર સ્થાનને પોતાનું મનોરંજનનું સાધન માનનારાને કેન્દ્રીય સંરક્ષણપ્રધાને તેમને દેશની સામે ખુલ્લા કરી દીધા છે. પીએમે વધુમાં કહ્યું કે દેશની આંખોમાં ધૂળ ફેંકનારાઓની નીયતને, દેશની સુરક્ષા સાથે ખેલવાડ કરનારાઓની રાજનીતિને , પોતાના મનોરંજન માટે પવિત્ર સંસદનો ઉપયોગ કરનારાઓના બાળપણને રક્ષાપ્રધાન નિર્મલા સીતારમને દેશની સામે ઉઘાડા પાડી દીધા છે. 2004થી 2014ની વચ્ચે દેશની સેનાને કેન્દ્ર સરકારે નબળી કરવાનો પ્રયત્ન કર્યો હતો, અને જ્યારે તેમની સરકાર સેનાને મજબૂત કરવા માટે કામ કરી રહી છે, ત્યારે તેમની આંખોમાં ખટકે છે.

પીએમ મોદીએ કહ્યું કે આ સરકાર નામદારોને એટલા માટે ખટકી રહી છે કારણ કે તેમના રાજ ખુલી રહ્યા છે. પીએમે જણાવ્યું કે કાલે જ અખબારોમાં સમાચાર હતા કે હેલીકોપ્ટર ગોટાળામાં વચ્ચેના કોંગ્રેસના કરપ્શનના રાજદાર મિશેલ છે, જેને આપણે વિદેશથી ભારત લાવ્યા છીએ. તેની એક ચિઠ્ઠીથી ખુલાસો થયો છે કે આ રાજદારમાં કોંગ્રેસના ટોપના નેતા, પ્રધાનોની ભારે ઓળખાણ હતી. પીએમ ઓફિસમાં કઈ ફાઈલ કયા જાય છે, કેવા નિર્ણયો કરાય છે, આ વાતની જાણકારી જેટલી વચ્ચેના માણસને રહેતી હતી. અરે એ વખતના પીએમ ને પણ આવી જાણકારી નહોતી.

 

પીએમ મોદીએ કહ્યું કે સમજાતુ નથી કે કોંગ્રેસે સરકાર ચલાવી છે કે તેમના મિશેલ મામાએ દરબાર ચલાવ્યો. હું આજે સ્પષ્ટ કહેવા માંગુ છું કે દેશની જગ્યાએ વચેટિયાઓના હિતની રક્ષા માટે જેણેજેણે ભૂમિકા નિભાવી છે, તેમનો પૂરો હિસાબ તપાસ એજન્સીઓ કરશે, દેશની જનતા પણ કરશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઓડિશામાં શનિવારે 4500 કરોડ રૂપિયાથી વધુ રકમની પરિયોજનાઓની શરૂઆત કરી હતી. વડાપ્રધાન મોદી પખવાડિયામાં આ બીજી વખત ઓડિશાની બીજી યાત્રા કરી રહ્યાં છે.