અમદાવાદમાં પ્રભુ, FIEO કચેરી શરુ, એક્સપોર્ટ બૂસ્ટ અપ, સૌ સાથ આપો

0
1993

અમદાવાદ– કેન્દ્રીય ઉદ્યોગ અને વાણિજ્ય તથા નાગરિક ઉડ્યનપ્રધાન સુરેશ પ્રભુએ આજે અમદાવાદમાં ફેડરેશન ઓફ ઈન્ડિયન એક્સપોર્ટ ઓર્ગેનાઈઝેશનની કચેરીનું ઉદઘાટન કર્યું હતું. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે ગુજરાત ઉદ્યોગસાહસિકો અને વેપારનું કેન્દ્ર હોવાના કારણે ગુજરાતમાં FIEOની કચેરીથી ઉદ્યોગ અને ઉદ્યોગસાહસિકતાને પ્રોત્સાહન મળશે તથા આવનારા સાત-આઠ વર્ષમાં સરકારના 5 ટ્રીલીયન અમેરિકી ડોલરના અર્થતંત્ર સુધી પહોંચવાના લક્ષ્યની નજીક જવામાં પણ સહાયતા થશે.

ઉપસ્થિત નિકાસકારોને સંબોધતા સુરેશ પ્રભુએ કહ્યું કે જો ભારતે ડબલ ડિજિટમાં વિકાસદર હાંસલ કરવો હશે તો દેશના દરેક જિલ્લાએ વિકાસગાથામાં પોતાનું યોગદાન આપવું પડશે. તેમણે કહ્યું કે આપણે બોટમ-અપ કન્સેપ્ટ સ્વીકારવો પડશે અને દરેક જીલ્લો તેના હાલના વિકાસદર કરતા ૩થી 4 ટકા વધુ વિકાસ કરે તે સુનિશ્ચિત કરવું પડશે. આ ઉપરાંત તેમણે જિલ્લાલક્ષી વિકાસ જીલ્લા સ્તરે વેપારની સરળતા સુનિશ્ચિત કરવા પર ભાર મુક્યો હતો.

પ્રભુએ વધુમાં જણાવ્યું હતું કે સરકાર નિકાસકારોને બેંક ધીરાણ મળી રહે અને તેમના જીએસટીના પ્રશ્નોનો નિકાલ આવે તે માટે સતત પ્રયાસ કરી રહી છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે તેમનું મંત્રાલય મર્ચન્ટ એક્સપોર્ટને પ્રોત્સાહન આપી રહ્યું છે જેનાથી તેની સાથે સંકળાયેલા નાના ઉદ્યોગોને લાભ થશે. વૈશ્વિક પરિદ્રશ્ય અંગે વાત કરતા તેમણે ઉમેર્યું હતું વૈશ્વિક વેપારમાં હાલમાં અનેક પડકારો હોવા છતાં ભારતની નિકાસ સતત વધી રહી છે. આ ઉપરાંત તેમણે દરેક ક્ષેત્રમાં નિકાસને પ્રોત્સાહન આપવા માટેના ભારત સરકારના પ્રયાસો વિશે પણ માહિતી આપી હતી.ત્યારબાદ સુરેશ પ્રભુએ ચાર્ટડ એકાઉન્ટન્ટ વિદ્યાર્થીઓની આંતરરાષ્ટ્રીય પરિષદને સંબોધન કર્યું હતું. પ્રભુએ સીએના વિદ્યાર્થીઓને બદલાતી વેપારની પરિસ્થિતિમાં અચાનક આવતાં પડકારોનો સામનો કરવા માટે પોતાની જાતને તૈયાર કરવા જણાવ્યું હતું. તેમણે વિદ્યાર્થીઓને પોતાની કારકિર્દીમાં વધુ વ્યવસાયિક અભિગમ કેળવવા માટે પોતાનામાં ગુણાત્મક બદલાવ લાવવા અનુરોધ કર્યો હતો.આ ઉપરાંત કેન્દ્રીય નાગરિક ઉડ્ડયનપ્રધાને અમદાવાદ એરપોર્ટની સમીક્ષા કરી હતી. તેમણે અમદાવાદ એરપોર્ટ ખાતે ભારતીય સંસ્કૃતિ અને પરંપરાને દર્શાવતી કલાકૃતિઓની પ્રશંસા કરી હતી તેમજ એરપોર્ટ વહીવટી તંત્ર દ્વારા સ્વચ્છતા માટે કરેલા પ્રયાસોની નોંધ લીધી હતી. અમદાવાદ એરપોર્ટ ખાતે પેલેસ્ટાઈનના રાજદૂત મહામહિમ અદનાન અબુ અલ્હૈજાને મળ્યા હતા તથા બંને દેશો વચ્ચે વેપારી સંબંધોની ચર્ચા કરી હતી. તેમણે ટ્યુનીશિયાના રાજદૂત મહામહિમ નેજ્મેદ્દીન લેખલ સાથે પણ શુભેચ્છા મુલાકાત કરી હતી.