‘આવા લગ્ન’ રોકવા કાયદો-ઘડવાની નવનીતકૌર રાણાની માગ

નવી દિલ્હીઃ મહારાષ્ટ્રના સોલાપુરમાં એક યુવકે એક સાથે બે યુવતી, જે જોડિયા બહેનો છે, એમની સાથે એક જ મંડપમાં એક જ સમયે કરેલા લગ્નનો મુદ્દો મહારાષ્ટ્રનાં અમરાવતીનાં અપક્ષ વિધાનસભ્ય નવનીત કૌર રાણાએ આજે સંસદમાં ઉઠાવ્યો છે અને યુવક સામે કાનૂની કાર્યવાહી કરવાની માગણી કરી છે.

ઉલ્લેખનીય છે કે સોલાપુર જિલ્લાના અકલૂજ ગામમાં અતુલ અવતાડે નામના એક યુવકે એક જ મંડપમાં બે સગી બહેનો – રિંકી અને પિંકી પાડગાંવકર સાથે કરેલા લગ્ન દેશભરમાં ચર્ચાનો મુદ્દો બની ગયો છે. તે યુવક સામે પોલીસમાં ફરિયાદ પણ નોંધવામાં આવી છે. બંને બહેન એકબીજાં વગર રહી શકે એમ ન હોવાથી પોતે બંનેની સાથે લગ્ન કર્યા છે એવું યુવકે કહ્યું છે. અતુલ દરેક પ્રકારની મુશ્કેલીમાં પાડગાંવકર પરિવારની સાથે જ રહ્યો હતો. રિંકી-પિંકીનાં માતા, પિતા બીમાર પડ્યાં હતાં ત્યારે પણ એણે તેમની સંભાળ લીધી હતી. પરંતુ, અતુલે બંને બહેન સાથે એક જ મંડપમાં લગ્ન કર્યાં એ પ્રકરણ દેશભરમાં પ્રચંડ ગાજ્યું છે. અતુલ સામે ગુનો પણ નોંધવામાં આવ્યો છે. તેનો જ આધાર લઈને નવનીત કૌર રાણાએ માગણી કરી છે કે અતુલ સામે કાનૂની કાર્યવાહી થવી જોઈએ. એમણે કહ્યું કે, એક યુવક એક જ મંડપમાં બે સ્ત્રી સાથે લગ્ન કરે તે હિંદૂ સંસ્કૃતિ પર એક ડાઘ છે. ભારતીય ફોજદારી કાયદામાં 494, 495 કલમો છે, પરંતુ આ સંદર્ભમાં કોઈ સ્પષ્ટ નિર્દેશ નથી. એક જ મંડપમાં એક જ વ્યક્તિ બે મહિલા સાથે લગ્ન કરે તેની વિરુદ્ધમાં કોઈક નિયમ, કાયદો હોવો જરૂરી છે. આવી બાબતથી સંસ્કૃતિને તો ફટકો પડે જ છે, પરંતુ નવી પેઢીને ખોટો સંદેશ પણ મળે છે. તેથી આ પ્રકરણમાં સંડોવાયેલા યુવકને સજા થવી જોઈએ.