વૈશ્વિક મંચોનો દુરુપયોગ કરી રહ્યા છે પાક, ચીનઃ વિદેશપ્રધાન

નવી દિલ્હીઃ ભારતે UNSCમાં કાશ્મીર મુદ્દો ઉઠાવ્યા પછી પાકિસ્તાન પર પલટવાર કરતાં કહ્યું હતું કે જે દેશ અલ કાયદાના નેતા ઓસામા બિન લાદેન સંરક્ષણ આપે અને પડોશી દેશની સંસદ પર હુમલો કરી શકે એની પાસે આબરૂ જેવું કાંઈ હોતું નથી અને એ દેશ કાઉન્સિલને ઉપદેશ કેવી રીતે આપી શકે? વિદેશપ્રધાન એસ જયશંકરે જણાવ્યું હતું કે સંયુક્ત રાષ્ટ્રની વિશ્વસનીયતા કોરોના રોગચાળો હોય કે જળવાયુ પ્રદૂષણ, સરહદે સંઘર્ષ હોય કે આતંકવાદ –એની અસરકારક પ્રતિક્રિયા પર નિર્ભર કરે છે.

પાકિસ્તાનના વિદેશપ્રધાન ભુટ્ટો દ્વારા સંયુક્ત રાષ્ટ્રમાં કાશ્મીર ટિપ્પણી પછી વિદેશપ્રધાને પાકિસ્તાનને આડે હાથ લીધું હતું, ત્યારે પાકિસ્તાનની બોલતી બંધ કરી દીધી હતી.

તેમણે ભુટ્ટો દ્વારા સંયુક્ત રાષ્ટ્રમાં કાશ્મીર રાગ આલાપવા પર તીખી પ્રતિક્રિયા આપતાં કહ્યું હતું કે આતંકવાદને પોષનારો દેશ પરિષદમાં આવીને ઉપદેશ ના આપે. તેમણે કહ્યું હતું કે આતંકવાદના પડકાર મુદ્દે વિશ્વના મોટા ભાગના દેશો એકસાથે આગળ આવીને સામૂહિક પ્રતિક્રિયા આપી રહ્યા છે, પણ બહુપક્ષી મંચનો ઉપયોગ કેટલાક દેશો (પાકિસ્તાન, ચીન) આતંકવાદીઓને બચાવવા માટે કામ કરી રહ્યા છે. તેમણે ચીન ને પાકિસ્તાનનું નામ લીધા વિના આડે હાથ લીધા હતા.

સંયુક્ત રાષ્ટ્રમાં ભારતની સ્થાયી પ્રતિનિધિ રુચિરા કમ્બોજ એ સમયે દલીલોની અધ્યક્ષતા કરી રહી હતી, જ્યારે ભુટ્ટો પરિષદમાં વાત કરી રહી હતી.