G20 ડિનરમાં મમતા, નીતીશકુમાર સામેલઃ INDIA એલાયન્સમાં તિરાડ?

નવી દિલ્હીઃ G20ના રાષ્ટ્રાધ્યક્ષો માટે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુનો ભોજન સમારંભ શનિવારે થઈ ચૂક્યો છે, પણ આને લઈને રાજકીય ચર્ચા અટકવાનું નામ નથી લેતી. આ ભોજન સમારંભમાં બિહારના મુખ્ય પ્રધાન નીતીશકુમારની હાજરીથી અનેક નેતાઓનાં ભવાં તણાયાં હતાં. પશ્ચિમ બંગાળમાં આ ભોજન સમારંભને લઈ રાજકારણ થઈ રહ્યું છે.

વિરોધ પક્ષોના ગઠબંધન INDIAના બે સહયોગી પક્ષો એકમેક પર હુમલો કરી રહ્યા છે. કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરીએ આ ડિનરમાં મુખ્ય પ્રધાન મમતા બેનરજીની હાજરી પર સવાલો ઊભા કર્યા છે. ત્યારે TMCએ એના પર પલટવાર કર્યો છે. ઝારખંડના CM હેમંત સૌરેન પણ આ ડિનરમાં સામેલ થયા હતા. જોકે બધાની નજર નીતીશકુમાર પર હતી. નીતીશકુમાર ડિનર માટે ખાસ પટનાથી દિલ્હી આવ્યા હતા. તેમણે કેટલાક દિવસો પહેલાં એક દેશ એક ચૂંટણીનું પણ સમર્થન કર્યું હતું. નીતીશકુમારે NDAની વિરુદ્ધ વિરોધ પક્ષોના ગઠબંધનનો પાયો નાખ્યો હતો. તેમણે પટનામાં વિપક્ષી ગઠબંધનની પહેલી બેઠક બોલાવી હતી.

ચૂંટણી વ્યૂહરચનાકાર પ્રશાંત કિશોરે પણ ડિનર ડિપ્લોમસીમાં નીતીશકુમારની હાજરીમાં સવાલ ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે નીતીશ દરવાજા અને બારી –બંને ખુલ્લા રાખે છે. બીજી બાજુ આ ડિનરમાં મમતા બેનરજીની હાજરી પર કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરીએ સવાલ ઊભા કર્યા હતા. તેમણે સવાલ કર્યો હતો કે આ ડિનરમાં સામેલ થવાથી મોદી સરકારની વિરુદ્ધ વલણ નબળું નહીં પડે? આ ડિનરમાં હિમાચલ પ્રદેશના મુખ્ય પ્રધાન સુખદેવ સિંહ સુખુએ ભાગ લીધો હતો. આ ડિનરમાં આવનારા સુખુ એકલા કોંગ્રેસી મુખ્ય પ્રધાન હતા.