5.2ની તીવ્રતાના ધરતીકંપે ઈશાન ભારતને ધ્રૂજાવી દીધું

ગુવાહાટીઃ ઈશાન ભારત આઠ રાજ્યોનો સમૂહ છે. આમાં સાત રાજ્યોને ‘સેવન સિસ્ટર્સ’ તરીકે ઓળખવામાં આવે છે. આ સાત રાજ્યો એટલે – અરૂણાચલ પ્રદેશ, આસામ, મણીપુર, મેઘાલય, મિઝોરમ, નાગાલેન્ડ અને ત્રિપુરા. એમની સાથે ઉમેરો થયો છે સિક્કીમ રાજ્યનો, જેને ‘સેવન સિસ્ટર્સ’નાં ‘ભાઈ’ તરીકે ઓળખવામાં આવે છે. સાત રાજ્યોની ધરતી ગઈ કાલે મોડી રાતે ધરતીકંપના તીવ્ર આંચકાને કારણે હચમચી ગઈ હતી. રાત્રે લગભગ 11 વાગ્યાના સુમારે ધરતીકંપ આવ્યો હતો. રીક્ટર સ્કેલ પર એની તીવ્રતા 5.1 નોંધાઈ હતી.

સદ્દભાગ્યે ધરતીકંપમાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ તમામ રાજ્યોનાં લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો અને સૌ પોતપોતાનાં ઘરની બહાર દોડી ગયાં હતાં. ભૂકંપનું કેન્દ્રબિંદૂ મણીપુરમાં, મ્યાનમાર દેશ નજીકના ઉખરૂલ જિલ્લામાં જમીનની સપાટીથી 20 કિ.મી. નીચે હોવાનું માલૂમ પડ્યું હતું. ઉખરૂલમાં ભૂકંપની અસર વધારે વર્તાઈ હતી. બે દિવસ પહેલાં પણ આસામમાં ભૂકંપનો આંચકો આવ્યો હતો. છેલ્લા એક અઠવાડિયામાં ઈશાન ભારતમાં આ પાંચમી વખત ધરતીકંપનો આંચકો આવ્યો હતો.