ઇતિહાસકાર રામચંદ્ર ગુહાની ધરપકડથી મમતાદીદી વિફર્યા

કોલકત્તાઃ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ જાણીતા ઈતિહાસકાર અને લેખક રામચંદ્ર ગુહાની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી તેની નિંદા કરી છે. તેમણે કહ્યું છે કે કેન્દ્ર સરકાર વિદ્યાર્થીઓ અને એક ઈતિહાસકારથી ડરી ગઈ છે. બેંગ્લોરમાં નાગરિકતા બિલના વિરોધમાં પ્રદર્શન કરવા પર રામચંદ્ર ગુહાની પોલીસે ધરપકડ કરી હતી. તેમના સીવાય આશરે 30 પ્રદર્શનકારીઓની પણ પોલીસે ધરપકડ કરી છે.

મમતા બેનર્જીએ પોતાના અધિકારિક ટ્વીટર ડેન્ડલથી ટ્વીટ કરતા ગુહાની ધરપકડને લઈને વિરોધ વ્યક્ત કર્યો છે. મમતાએ લખ્યું કે, આ સરકાર વિદ્યાર્થીઓથી ડરી ગઈ છે. સરકાર મીડિયા સાથે વાત કરવા અને ગાંધીના પોસ્ટર પકડવા પર ભારતના સૌથી જાણીતા ઈતિહાસકારો પૈકી એકથી ડરી ગઈ છે. હું રામચંદ્રની ધરપકડ કરવામાં આવી તેનો વિરોધ કરું છું.

આ મામલે મીડિયા સાથે વાત કરતા ગુહાએ કહ્યું કે, આ એક અલોકતાંત્રિક કૃત્ય છે કે પોલીસ શાંતિપૂર્ણ રીતે પ્રદર્શન કરતા લોકોને પ્રદર્શન કરવા નથી દેતી, જ્યારે આ નાગરિકોનો અધિકાર છે. સીપીએમે પણ શહેરમાં નાગરિકતા બિલ અને એનઆરસી વિરુદ્ધ પ્રદર્શન કર્યું.