દિલ્હીઃ ક્યાંક પ્રદર્શનો અને ધરણાં ચાલુ છે તો ક્યાંક મોબાઈલ સેવા બંધ છે!

નવી દિલ્હીઃ નાગરિકતા સંશોધન કાયદાના વિરોધમાં રાજધાની દિલ્હી સહિત દેશભરમાં ઘણી જગ્યાએ વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે. દિલ્હીમાં આજે એક જ સમયે બે જગ્યાએ થયેલા પ્રદર્શનના કારણે સ્થિતિ એવી સર્જાઈ કે ઘણા મેટ્રો સ્ટેશનોને બંધ કરવા પડ્યા. કેટલાક વિસ્તારોમાં મોબાઈલ સેવાઓ પણ કલાકો સુધી પૂરી રીતે બંધ રહી. નાગરિકતા કાયદાને લઈને થઈ રહેલા વિરોધ પ્રદર્શનને ધ્યાને રાખતા દિલ્હી પોલીસે ટેલિકોમ ઓપરેટરોને કેટલાક ભાગમાં મોબાઈલ સેવાઓ બંધ કરવા કહ્યું હતું. સંબંધિત વિસ્તારોમાં તમામ પ્રકારની મોબાઈલ સેવાઓ એટલે કે મોબાઈલ ઈન્ટરનેટ, એસએમએસ અને વોઈસ કોલ સર્વિસને સસ્પેન્ડ કરી દેવામાં આવી હતી. દિલ્હીમાં 17 મેટ્રો સ્ટેશનોને પણ બંધ કરી દેવામાં આવ્યા હતા.  

દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલના ડીસીપી પીએસ કુશવાહ દ્વારા ટેલિકોમ કંપનીઓ એરટેલ, વોડાફોન-આઈડિયા, જિયો, બીએસએનએલ અને એમટીએનએલને મોબાઈલ સર્વિસ સ્ટેશન મામલે નિર્દેશ આપવામાં આવ્યો હતો. નિર્દેશમાં કંપનીઓને સવારે 9 વાગ્યાથી બપોરે 1 વાગ્યા સુધીમાં કેટલાક વિસ્તારોમાં મોબાઈલ સર્વિસ સસ્પેન્ડ કરવા માટે કહેવામાં આવ્યું હતું.

હકીકતમાં આજે નાગરિકતા બિલના વિરોધમાં એક જ સમયે 2 અલગ-અલગ પ્રોટેસ્ટ માર્ચ કાઢવામાં આવી. પ્રથમ પ્રોટેસ્ટ માર્ચ વિદ્યાર્થીઓ અને કેટલાક સોશિયલ એક્ટિવિસ્ટો તરફથી લાલ કિલ્લા આઈટીઓના શતાબ્દી પાર્ક સુધી કાઢવામાં આવી. બીજી રેલી વિદ્યાર્થી સંગઠનો દ્વારા મંડી હાઉસથી પાર્લામેન્ટ સ્ટ્રીટ સુધી કાઢવામાં આવી. આ કારણે તમામ વિસ્તારોમાં ટ્રાફિક જામ થઈ ગયો.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]