હાઈકોર્ટની ‘થપ્પડ’ બાદ ગૃહપ્રધાન પદેથી દેશમુખનું રાજીનામું

મુંબઈઃ શહેરના ભૂતપૂર્વ પોલીસ કમિશનર પરમબીરસિંહે કરેલા ભ્રષ્ટાચારના કેસમાં મહારાષ્ટ્રના ગૃહ પ્રધાન અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી)ના સિનિયર નેતા અનિલ દેશમુખ સામે 15-દિવસની અંદર જ સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઈન્વેસ્ટિગેશન (સીબીઆઈ) દ્વારા તપાસ યોજવામાં આવે એવો આજે મુંબઈ હાઈકોર્ટે આદેશ આપ્યા બાદ એનસીપી પાર્ટીના પ્રવક્તા અને રાજ્યના અલ્પસંખ્યકોના પ્રધાન નવાબ મલિકે જાહેરાત કરી છે કે દેશમુખે એમના હોદ્દા પરથી રાજીનામું આપી દીધું છે. હાઈકોર્ટનો આજે આદેશ આવ્યા બાદ દેશમુખ પક્ષપ્રમુખ શરદ પવારને મળ્યા હતા અને પદ પર ચાલુ રહેવા પોતે ઈચ્છતા નથી એમ જણાવ્યું હતું. પક્ષે ઉદ્ધવ ઠાકરેને વિનંતી કરી હતી કે તેઓ દેશમુખના રાજીનામાનો સ્વીકાર કરી લે. સીબીઆઈ તપાસના હાઈકોર્ટના આદેશ બાદ તરત જ વિધાનસભામાં વિપક્ષી નેતા દેવેન્દ્ર ફડણવીસે એમની માગણીનો પુનરોચ્ચાર કર્યો હતો કે દેશમુખ એમના પદ પરથી રાજીનામું આપે. દેશમુખે રાજ્યના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેને પોતાના રાજીનામાનો પત્ર સુપરત કરી દીધો છે. શિવસેના પ્રમુખ ઠાકરે શિવસેના, એનસીપી અને કોંગ્રેસની ‘મહાવિકાસ આઘાડી’ નામે સંયુક્ત સરકારના વડા છે.

ઉલ્લેખનીય છે કે, પરમબીરસિંહે મુંબઈના પોલીસ કમિશનર પદેથી હોમ ગાર્ડ્સના કમાન્ડર જનરલ પદે એમની બદલી કરી દેવાયા બાદ રાજ્યના મુખ્ય પ્રધાન અને ગવર્નરને પત્ર લખીને ફરિયાદ કરી હતી કે દેશમુખે પોલીસ અધિકારી સચીન વાઝેને આદેશ આપ્યો હતો કે એમણે મુંબઈના બીયર બાર, રેસ્ટોરન્ટ્સ, પબ્સના માલિકો પાસેથી દર મહિને રૂ. 100 કરોડની ખંડણીની રકમ વસૂલ કરવી.