વાઘના પંજામાં કમળ અને ગળામાં ઘડિયાળઃ શિવસેનાનો ભાજપને સંદેશ

મુંબઈઃ મહારાષ્ટ્રમાં એવું લાગી રહ્યું છે કે શિવસેના હવે ભાજપ સાથે બદલો લેવા પર આવી ગઈ છે. આ આખાય ઘટનાક્રમ વચ્ચે પાર્ટીના વરિષ્ઠ નેતા સંજય રાઉતે પોતાના ટ્વીટર પર એવું કાર્ટૂન શેર કર્યું છે કે જેમાં એક વાઘ (શિવસેનાનું પાર્ટી ચિહ્ન) ઘડિયાળ વાળુ એક લોકેટ (એનસીપીનું ચિહ્ન) પોતાના ગળામાં પહેરીને રાખ્યું છે. તેના એક પંજામાં કમળનું ફૂલ (ભાજપનું ચિહ્ન) છે. હકીકતમાં વર્ષ 2014 માં શિવસેનાને ભાજપે મ્હાત આપી હતી અને એકલા હાથે ચૂંટમી લડીને સરકાર બનાવી લીધી હતી.

ભાજપ તે સમયે મોદી લહેર પર સવાર હતી અને ક્યારેક રાજ્યમાં શિવસેનાની સરકારમાં સહયોગી બનીને કામ ચલાવનારી ભાજપ હવે મોટાભાઈ ભૂમિકામાં આવી ગઈ હતી. શિવસેના તે સમયે પોતાના ખરાબ સમયમાં પહોંચી ગઈ હતી. આ ચૂંટણીમાં ભાજપને 122 શિવસેનાને 63 અને કોંગ્રેસ 42 તેમજ એનસીપીને 41 સીટો મળી હતી. ભાજપે એનસીપીનું સમર્થન લઈને સરકાર બનાવી લીધી. જો કે શિવસેના દ્વારા એ વાત વારંવાર કહેવામાં આવી કે તે બધુ જ ભૂલીને ભાજપને સમર્થન આપવા માટે તૈયાર છે પરંતુ ભાજપે તે સમયે શિવસેનાની અવગણના કરી દીધી હતી.

જો કે બાદમાં રાજ્યમાં સમીકરણો બદલાયા અને શિવસેના પણ ભાજપ સરકારમાં જોડાઈ ગઈ. પરંતુ મહારાષ્ટ્ર સરકારના કોઈપણ મોટા મંત્રાલયમાં શિવસેનાના નેતાઓને જગ્યા આપવામાં ન આવી. ગત લોકસભા ચૂંટણીની જાહેરાત થવા સુધીમાં શિવસેના એકદમ વિપક્ષની ભૂમિકામાં આવી ગઈ. જો કે બાદમાં ભાજપે શિવસેનાને મનાવી લીધી અને બંન્નેએમ મળીને લોકસભા ચૂંટણી લડ્યા અને જીત્યા પણ. પરંતુ લોકસભામાં ફરીથી ભાજપને એટલી સીટો મળી ગઈ કે તેને સહયોગીઓના સમર્થનની જરુર ન રહી અને પરિણામ એ આવ્યું કે શિવસેનાને ફરીથી પોતાના ઈરાદા અનુસાર કેન્દ્રીય મંત્રી મંડળમાં જગ્યા ન મળી અને આ જ વસ્તુ જેડીયૂ સાથે પણ થઈ. શિવસેના માત્ર પસ્તાવો કરતી રહી અને ઉદ્ધવ ઠાકરે માત્ર નિવેદનો સુધી જ સીમિત રહી ગયા.

પરંતુ આ વખતે શિવસેનાએ આદિત્ય ઠાકરેને ચૂંટણીના મેદાનમાં ઉતારીને પોતાની ઈચ્છા પહેલા જ વ્યક્ત કરી દીધી. પાર્ટી આદિત્ય ઠાકરેને મુખ્યમંત્રી તરીકે જોવા માંગે છે. પરિણામો એવા આવ્યા છે કે ભાજપ કોઈ અન્ય પાર્ટીના સહયોગ વગર સરકાર ન બનાવી શકે. ગત વર્ષે જ્યાં ભાજપની 122 સીટો આવી હતી ત્યાં જ આ વર્ષે તેના ખાતામાં માત્ર 105 સીટો આવી છે. શિવસેનાની સીટોનો આંકડો ગત વખતના મુકાબલે 63 થી ઘટીને 56 પર આવી ગયો છે પરંતુ રાજગ સરકારની સ્થિરતા માટે તેની ભૂમિકા મહત્વપૂર્ણ થવાની છે.

કોંગ્રેસની વાત કરવામાં આવે તો આ વખતે કોંગ્રેસને 44 સીટો મળી છે. શરદ પવારના નેતૃત્વ વાળી એનસીપીને આ વખતે 54 સીટો મળી છે. જે 2014 ની સરખામણીએ 13 સીટો વધારે છે અને હવે ચર્ચા છે કે જો ભાજપ સાથે શિવસેનાની વાત ન બને અને કોંગ્રેસ તેમજ એનસીપી તેને સમર્થન આપે તો સીટોનો આંકડો 154 સુધી પહોંચી જાય છે. આ આંકડો બહુમતથી 9 જેટલો વધારે હશે. જો કે શિવસેના, કોંગ્રેસ અને એનસીપીનું એક સાથે આવવું તે અત્યારે ખૂબ દૂરની વાત લાગી રહી છે. કારણ કે આ નિર્ણય શિવસેના માટે વૈચારિત સમજૂતી હશે.

અત્યારે શિવસેનાનો પૂર્ણ પ્રયત્ન છે કે બીજા વિલ્પની ચર્ચા કરીને ભાજપ પર દબાણ બનાવી લેવામાં આવે અને 1995 ના જૂના ફોર્મ્યુલા પર અમલ કરાવી લેવામાં આવે. તે અનુસાર અઢી વર્ષ શિવસેના સરકાર ચલાવે અને અઢી વર્ષ ભાજપ સરકાર ચલાવે. પરંતુ ભાજપ ઈચ્છે છે કે પાંચ વર્ષ સુધી તેની જ પાસે મુખ્યમંત્રીનું પદ રહે અને તે શિવસેનાને ડેપ્યુટી સીએમનું પદ આપવા માટે રાજી થઈ શકે છે. અહીંયા એક વાત નોંધવા જેવી છે કે 50-50 ફોર્મ્યુલા 1999 માં ભાજપના નેતા ગોપીનાથ મુંડેએ આપ્યો હતો, જેના પર શિવસેના તે સમયે રાજી થઈ હતી અને હવે ભાજપ સામે આ જ સવાલ છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]