આર્થિક મોરચે નવી ચિંતા: રેટિંગ એજન્સીએ ઘટાડ્યું જીડીપી અનુમાન

નવી દિલ્હી: રેટિંગ એજન્સી ફિચ એ ચાલુ નાણાકીય વર્ષ માટે ભારતના જીડીપી વૃદ્ધિ દરનું અનુમાન ઘટાડીને 5.5 ટકા કરી દીધું છે. એજન્સીએ કહ્યું કે, નોન-બેંકિંગ નાણાકીય કંપનીઓમાં સંકટને કારણે લોન આપવામાં ઘટાડાથી આર્થિક વૃદ્ધિ દર 6 વર્ષના નિચલા સ્તર પર પહોંચી ગયો છે. ફિચ એ આ વર્ષે જૂન મહિનામાં 2019-20 માટે દેશનો જીડીપી વૃદ્ધિ દર 6.6 ટકા રહેવાનું અનુમાન લગાવ્યું હતુ. રેટિંગ એજન્સીએ કહ્યું કે, કંપની ટેક્સના દરમાં ઘટાડા સહિત સરકારના વર્તમાન ઉપાયોથી ધીમે ધીમે આર્થિક વૃદ્ધિમાં તેજી આવશે.

ફિચનું આ અનુમાન રિઝર્વ બેંકના 6.1 ટકાના આર્થિક વૃદ્ધિ દરના અનુમાન કરતા ઓછું છે. ફિચ એ કહ્યું કેસ આગામી નાણાકીય વર્ષ (2020-21)માં જીડીપી વૃદ્ધિ દર 6.2 ટકા તથા તેમના આગામી નાણાકીય વર્ષમાં 6.7 ટકા રહેવાની સંભાવના છે. ભારતનો આર્થિક વૃદ્ધિ દર ચાલુ નાણાકીય વર્ષના એપ્રિલ-જૂન ત્રિમાસિક ગાળામાં ઘટીને 5 ટકા પર આવી ગયો જ્યારે એક વર્ષ પહેલા ચાલુ ત્રિમાસિકગાળામાં આ 8 ટકા હતો. આ 2013 પછીના કોઈ પણ ત્રિમાસિકગાળામાં આર્થિક વૃદ્ધિ દરનું ન્યૂનતમ સ્તર છે.

ફિચ એ કહ્યું કે, ઘરેલુ ખર્ચની સાથે વિદેશોમાંથી પણ માંગ નબળી છે. નોન-બેંકિંગ નાણાકીય કંપનીઓમાં સંકટને કારણે ઋણ ઉપલબ્ધતામાં ઘટાડાથી અર્થવ્યવસ્થા પર પ્રતિકુળ અસર પડી છે. ઉલ્લેખનીય છે કે, આ મહિનાની શરુઆતમાં મૂડિઝ ઈન્વેસ્ટર્સ સર્વિસે 2019-20માં આર્થિક વૃદ્ધિ દરનું અનુમાન 6.2 ટકાથી ઘટાડીને 5.8 ટકા કરી દીધુ હતું. તેમનું કહેવું હતું કે, અલગ અલગ દીર્ધકાલીન કારણોથી અર્થવ્યવસ્થામાં નરમી છે.