મુંબઈઃ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ ગઈ કાલે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે અને એમને વિનંતી કરી છે કે 25-વર્ષની ઉપરની વયના તમામ લોકોને પણ કોરોનાવાઈરસ-વિરોધી રસી આપવામાં આવે. મોટી સંખ્યામાં યુવાન વયના લોકોને પણ કોરોના-વિરોધી રસી આપવામાં આવશે તો આ બીમારીના દર્દીઓની સંખ્યા ઘટાડવામાં મદદ મળશે, કારણ કે આ વયના લોકોને જ એમના કામ-ધંધા માટે એમના ઘરની બહાર જવાનું થતું હોય છે. રાજ્યમાં મુંબઈ સહિત છ જિલ્લાઓમાં 45-વર્ષથી વધુની વયનાં વધારે લોકોને રસીકરણમાં આવરી શકાય એ માટે રસીના વધુ 1.5 કરોડ ડોઝ ભારત સરકાર તરફથી મહારાષ્ટ્રને પૂરા પાડવામાં આવે એવી પણ ઠાકરેએ મોદીને વિનંતી કરી છે.
ઉલ્લેખનીય છે, મુંબઈ સહિત મહારાષ્ટ્ર રાજ્યમાં કોરોનાનું બીજું મોજું તીવ્ર બન્યું છે અને કેસો-દર્દીઓની સંખ્યા ખૂબ વધી ગઈ છે. ઠાકરેએ વડા પ્રધાન મોદીને પત્રમાં એમ પણ લખ્યું છે કે એમના રાજ્યએ કાયમ પારદર્શક માહિતી પૂરી પાડી છે અને કોરોના-ટેસ્ટિંગની ઝડપ પણ વધારી છે. કોરોનાનો દરેક દર્દી સાજો થઈ જાય એ માટે અમે પગલાં લઈ રહ્યાં છીએ. અમે આ વાઈરસને વધારે જોખમી બનતો રોકવા માટે ‘બ્રેક ધ ચેન’ ઝુંબેશ મારફત અમુક કડક નિયંત્રણો લાગુ કર્યા છે. 4 એપ્રિલ સુધીમાં રાજ્યમાં 76.86 લાખ લોકોને કોરોના-વિરોધી રસી આપી દીધી હતી.
