મુંબઈ: મહારાષ્ટ્રમાં ઠાકરે સરકારના 100 દિવસ પૂર્ણ થવાના અવસર પર સાત માર્ચે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે અયોધ્યાની મુલાકાતે જશે અને રામલલાના દર્શન કરી તેમના આશિર્વાદ લેશે. જો કે એ પહેલા જ રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. ઉદ્ધવ ઠાકરેની અયોધ્યા મુલાકાત સમયે તેમની સાથે રાહુલ ગાંધીને પણ આમંત્રણ આપવામાં આવ્યુ છે? તેવો સવાલ પૂછતા શિવસેના સાંસદ સંજય રાઉતે પોતાના આગવા અંદાજમાં જવાબ આપ્યો હતો. અને સામે સવાલ કર્યો હતો શું ભાજપ નેતા જમ્મુ કશ્મીરના પૂર્વ સીએમ મહેબૂબા મુફ્તીને પોતાની સાથે અયોધ્યા લઈ જશે ખરા. સંજય રાઉતે કહ્યું કે, અમે ઈચ્છીએ છીએ કે, અમારી ગઠબંધન સરકારના અન્ય સહયોગી નેતાઓ પણ આ ઉદ્ધવ ઠાકરે સાથે અયોધ્યા જાઈ. રાહુલ ગાંધી પણ અનેક મંદિરોમાં જતા હોય છે.
મહારાષ્ટ્રમાં રાજ ઠાકરેએ પોતાની પાર્ટીના ઝંડામાં માત્ર ભગવો રંગ રાખ્યો છે. તે સમયે જ શિવસેના પોતાના હિન્દુત્વના એજન્ડાને યાદ અપાવતા રામલલ્લાના દર્શન કરવાનું નકકી કર્યુ છે. મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના અધ્યક્ષ રાજ ઠાકરેએ ગુરુવારે પોતાની પાર્ટીનો નવો ભગવો ઝંડો જાહેર કરીને પાકિસ્તાની, બાંગ્લાદેશી ઘુસણખોરોને દેશની બહાર કરવા માટે રાજગ સરકારનું સમર્થન કરવાની જાહેરાત કરી છે. આ સાથે જ તેમણે સંકેત આપ્યો છે કે, તે તેમના કાકા બાળ ઠાકરેની હિન્દુત્વની વિચારધારાને આગળ ધપાવવા માંગે છે.
મહત્વનું છે કે રામ મંદિર પર સુપ્રીમ કોર્ટના ચૂકાદા પછી ઉદ્ધવ ઠાકરેએ જાહેરાત કરી હતી કે, તે અયોધ્યા જશે. હવે ઠાકરે સરકારના 100 દિવસ માર્ચમાં પૂર્ણ થવા જઈ રહ્યા છે.
આ અગાઉ શિવસેના ચીફ ઉદ્ધવ ઠાકરે 16 જૂન 2019ના રોજ તેમની પાર્ટીના તમામ સાંસદો સાથે અયોધ્યા પહોંચ્યા હતા. એ સમયે ઉદ્ધવ ઠાકરેની આ મુલાકાતને ભાજપ દબાણ બનાવવાની રાજનીતિ અને વિધાનસભા ચૂંટણી સાથે જોડીને જોવામાં આવી હતી. એ સમયે શિવસેના ભાજપની સહયોગી પાર્ટી હતી પણ હવે બંન્નના રસ્તા અલગ છે. આ તરફ ઉદ્ધવ ઠાકરેની અયોધ્યા જવાની જાહેરાતથી કોંગ્રેસ અને એનસીપીમાં ખલબલી મચી ગઈ છે. બંને પાર્ટીને ડર સતાવે છે કે, આના કારણે મુસ્લિમો તેમનાથી નારાજ થઈ શકે છે.