નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણી 2024ની 543 સીટો પર સવારે આઠ વાગ્યાથી મત ગણતરી શરૂ થઈ છે. મતગણતરી શરૂઆત થતાં પ્રારંભિક મત ગણતરી સામે આવવા લાગી છે. બપોર પછી સ્થિતિ સ્પષ્ટ થઈ જશે કે આ વખતે કોની સરકાર બનશે. શું ફરી એક વાર બનશે મોદી સરકાર કે વિપક્ષી ઇન્ડિયા ગઠબંધનની સરકાર બનશે? જોકે ધાર્યા પ્રમાણે પરિણામો નહીં આવતાં શેરબજારમાં પણ ગભરાટ ફેલાયો છે.
લોકસભા ચૂંટણીણની પ્રારંભિક મતગણતરીમાં ભાજપની આગેવાનીમાં NDA 300 પાર છે, જ્યારે ઇન્ડિયા ગઠબંધન 200ની આસપાસ છે. ઉત્તર પ્રદેશમાં ભાજપને આંચકો લાગ્યો છે. પ્રારંભિક મતગણતરીમાં ઇન્ડિયા ગઠબંધન 40 સીટો પર આગળ છે, જ્યારે NDA 39 સીટો પર આગળ ચાલી રહી છે. અમેઠીમાં સ્મૃતિ ઇરાની પાછળ ચાલી રહ્યાં છે, જ્યારે મંડી બેઠક પર કંગના રણોત આગળ ચાલી રહ્યા છે. વડા પ્રધાન મોદી વારાણસી સીટ પરથી અને અમિત શાહ મતગણતરીમાં આગળ ચાલી રહ્યા છે. કન્નોજમાં અખિલેશ યાદવ, ડિમ્પલ યાદવ, નીતિન ગડકરી રાહુલ ગાંધી અને ધર્મેન્દ્ર યાદવ આગળ છે, જ્યારે દિનેશ નિરહુઆ અને રાજનાથ સિંહ પાછળ ચાલી રહ્યા છે.
લોકસભા ચૂંટણીમાં સવારે 11 કલાક સુધી પક્ષવાર સ્થિતિ જોઈએ તો ભાજપ 240, કોંગ્રેસ 98, SP 33, TMC 29, DMK 21, TDP 16, JDU 15, શિવસેના (U) 10, NCP આઠ, શિવસેના (એ) છ, LJP પાંચ, CPI (M) પાંચ સીટો પર આગળ છે.
લોકસભા ચૂંટણીના પરિણામમાં 8000થી વધુ ઉમેદવારોના ભાવિનો ફેંસલો આજે થઇ જશે. 8000 પૈકી 16 ટકા ઉમેદવારો રાષ્ટ્રીય પક્ષો દ્વારા ઉભા રાખવામાં આવ્યા હતા. છ ટકા ઉમેદવારો રાજય કક્ષાના પક્ષો દ્વારા ઊભા રાખવામાં આવ્યા હતા. જ્યારે 47 ટકા ઉમેદવારો અપક્ષ તરીકે ઊભા રહ્યા હતા તેમ પીઆરએસ લેજિસ્લેટિવ રિસર્ચ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે.