નવી દિલ્હીઃ કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ (AICC વડા)ની ચૂંટણી માટે આજે મતદાન છે. પાર્ટીની વિવિધ પ્રદેશ સમિતિઓનાં પ્રતિનિધિઓ 24 વર્ષ બાદ ફરી ગાંધી-પરિવારની બહારના કોઈ નેતાને પક્ષપ્રમુખ તરીકે ચૂંટશે. આ પદ માટે પક્ષના બે વરિષ્ઠ નેતા વચ્ચે હરીફાઈ છેઃ મલ્લિકાર્જુન ખડગે અને શશી થરૂર. કોંગ્રેસના 137 વર્ષના ઈતિહાસમાં આ માત્ર છઠ્ઠી જ વાર પ્રમુખપદ માટે ચૂંટણી યોજાઈ રહી છે. મતગણતરી બુધવારે કરાશે.
મતદાન ગુપ્ત રહેશે. મતદાર મંડળ (ઈલેક્ટોરલ કોલેજ)માં પ્રદેશ કોંગ્રેસ સમિતિ (PCC)નાં 9,000થી વધારે પ્રતિનિધિઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. મતદાન નવી દિલ્હીમાં કોંગ્રેસના મુખ્યાલય (અખિલ ભારતીય કોંગ્રેસ કમિટી AICC મુખ્યાલય) ખાતે તેમજ દેશભરમાં 65થી વધારે પોલિંગ બૂથમાં યોજાશે. પક્ષનાં કાર્યવાહક પ્રમુખ સોનિયા ગાંધી અને મહામંત્રી પ્રિયંકા ગાંધી-વાડ્રા અહીં મુખ્યાલયમાં મતદાન કરશે જ્યારે રાહુલ ગાંધી હાલ ભારત જોડો યાત્રામાં છે તેથી કર્ણાટકના સાંગનાકલ્લુ ખાતે મતદાન કરશે. થરૂર કેરળના તિરુવનંતપુરમમાં પક્ષના મુખ્યાલયમાં મતદાન કરશે જ્યારે ખડગે કર્ણાટકના બેંગલુરુમાં પક્ષની કચેરીમાં મતદાન કરશે. પ્રમુખપદ માટે ખડગે ફેવરિટ મનાય છે. થરૂરને વિશ્વાસ છે કે પોતે આ પદ જીતશે.