કેરળ, મહારાષ્ટ્ર, પંજાબ, મધ્ય પ્રદેશમાં કોરોનાના કેસોમાં ઉછાળો

નવી દિલ્હીઃ દેશનાં કેટલાંક રાજ્યોમાં ફરી એક વાર કોરોના વાઇરસના કેસો અચાનક ઝડપથી વધી રહ્યા છે. આરોગ્ય મંત્રાલયે શનિવારે ચેતવણી આપતાં કહ્યું હતું કે કેરળ, મહારાષ્ટ્ર, પંજાબ, છત્તીસગઢ અને મધ્ય પ્રદેશમાં કોરોના વાઇરસના દૈનિક કેસોમાં અચાનક વધારો નોંધાયો છે. છેલ્લા સાત દિવસોમાં છત્તીસગઢમાં કોરોનાના નવા સક્રિય કેસોમાં વધારો જોવા મળ્યો છે. છેલ્લા 24 કલાકમાં 259 નવા કોરોનાના કેસ સામે આવ્યા છે.

કર્ણાટકમાં પણ કેસો વધતાં આરોગ્યપ્રધાન સુધાકરે કહ્યું હતું કે રાજ્યમાં લોકડાઉનનો કોઈ વિચાર નથી. કેરળમાં દૈનિક ધોરણે નવા કેસો વધી રહ્યા છે. મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં 6112 નવા કોરોના કેસો સામે આવ્યા છે. મહારાષ્ટ્રની જેમ પંજાબમાં  નવા કેસોમાં ઝડપથી વધી રહ્યા છે. અહીં 383 નવા કેસો નોંધાયા છે. દેશમાં કોરોનાના 75.87 ટકા કેસો મહારાષ્ટ્ર અને કેરળમાંથી છે, એમ આરોગ્ય મંત્રાલયે કહ્યું હતું.

મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમણના કેસોમાં વધારો જોતા પ્રભાવિત શહેરોમાં નવા પ્રતિબંધ લગાવવામાં આવી રહ્યા છે. મુંબઈ માટે નવી ગાઇડલાઇન્સ જારી કરી છે. અમરાવતીમાં લોકડાઉન કરવામાં આવ્યું છે.  મહારાષ્ટ્રમાં ગુરુવારે પણ કોરોના સંક્રમણના 5427 કેસો નોંધાયા હતા. રાજ્યના આરોગ્યપ્રધાન રાજેશ ટોપે પણ કોરોના સંક્રમિત થયા હતા. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 13,993 નવા કેસ સામે આવ્યા છે. આ સાથે છેલ્લા 24 કલાકમાં 101 લોકોનાં મોત થયાં છે.

જોકે 18 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાને કારણે કોઈ મોત નથી થયું.