સ્મોલ-મિડકેપનું શાનદાર પ્રદર્શનઃ BSE-500ના 40 શેરોમાં ઉછાળો

અમદાવાદઃ 19 ફેબ્રુઆરીએ પૂરા થયેલા સપ્તાહમાં એસ એન્ડ પી બીએસઈ-500 ઇન્ડેક્સમાં 0.5 ટકાનો ઘટાડો મળ્યો હતો, પરંતુ એમાં સામેલ 45 શેરોમાં 10 ટકાથી 60 ટકાનો વધારો જોવા મળ્યો હતો. આ શેરોમાં ઇન્ડિયન ઓવરસીઝ બેન્ક, સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયા, બેન્ક મહારાષ્ટ્ર, જનરલ ઇન્શ્યોરન્સ કોર્પો. ઓફ ઇન્ડિયા, બેન્ક ઓફ ઇન્ડિયા, ન્યુ ઇન્ડિયા એસ્યોરન્સ અને અદાણી ટોટલ ગેસના શેરોમાં તેજી થઈ હતી.

19 ફેબ્રુઆરે પૂરા થયેલા સપ્તાહમાં નવા રેકોર્ડ સ્થાપિત કર્યા પછી ભારતીય બજારોમાં પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું હતું. જોકે પીએસયુ બેન્ક શેરોમાં તેજીને લીધે બજારને સંભાળ્યું હતું. ગયા સપ્તાહમાં બીએસઈ સેન્સેક્સ 51,000 અને નિફ્ટી 50 15,000ની નીચે સરક્યા હતા. સેન્સેક્સ અને નિફ્ટીમાં એક ટકાથી વધુ ઘટાડો થયો હતો, જ્યારે બીએસઈ મિડકેપ અને સ્મોલકેપ ઇન્ડેક્સ 0.63 ટકા અને 1.23 ટકાનો વધારો થયો હતો.
કેટલીક સરકારી બેન્કો અને વીમા કંપનીઓના ખાનગીકરણના સમાચારે બજારને સપોર્ટ કર્યો હતો, જેનાથી બજારનો ઘટાડો સીમિત રહ્યો હતો.

19 ફેબ્રુઆરીએ પૂરા થયેલા સપ્તાહમાં એફઆઇઆઇએ રૂ. 4408.26 કરોડની લેવાલી કરી હતી, જ્યારે સ્થાનિક ફંડોએ રૂ. 6,283.73 કરોડની વેચવાલી કરી હતી. ફેબ્રુઆરીમાં અત્યાર સુધી એફઆઇઆઇએ રૂ. 23,874.67 કરોડની ખરીદદારી કરી હતી, જયારે સ્થાનિક સંસ્થાઓએ રૂ. 16,638.46 કરોડની વેચવાલી કરી હતી.

ભારતીય બજારોની ચાલ વૈશ્વિક બજારો ખાસ કરીને અમેરિકી બજારોને અનુરૂપ રહી છે. વૈશ્વિક બોન્ડ યિલ્ડમાં આવેલા વધારાને લીધે બજારમાં તેજીને ખાંચરો પડ્યો હતો. જેથી બજારમાં નફારૂપ વેચવાલી થઈ હતી.