આર્થિક વિકાસ માટે કેન્દ્ર-રાજ્યો મળીને કામ કરેઃ  મોદી

નવી દિલ્હીઃ વડા પ્રધાન મોદીની અધ્યક્ષતામાં નીતિ આયોગની ગવર્નિંગ કાઉન્સિલની છઠ્ઠી બેઠક વિડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી થઈ હતી. ભારતમાં વેપાર કરવાનું સરળ બનાવવા (ઇઝ ઓફ ડુઈંગ) અને આર્થિક વિકાસને વેગ આપવા માટે કેન્દ્ર-રાજ્યોએ એકસાથે મળીને કામ કરવાની જરૂર છે. ખાનગી ક્ષેત્રને આત્મનિર્ભર ભારત કાર્યક્રમનો હિસ્સો બનવા માટે પૂરતી તક અપાવવી જોઈએ, એમ વડા પ્રધાને કહ્યું હતું. કેન્દ્રીય બજેટની સકારાત્મક પ્રતિક્રિયા ‘મૂડ ઓફ ધ નેશન’ જણાવે છે કે દેશ ઝડપથી વિકાસ કરી રહ્યો છે, એમ તેમણે કહ્યું હતું.

કૃષિ ક્ષેત્રનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું હતું કે  ખાદ્ય તેલ જેવી કૃષિ ચીજવસ્તુઓના ઉત્પાદન અને એની આયાત ઘટાડવા માટે પ્રયાસ કરવા જોઈએ, જેથી ખેડૂતોને લાભ થાય. કૃષિપ્રધાન દેશ હોવા છતાં રૂ. 65,000-70000 કરોડના ખાદ્ય તેલની આયાત બહારથી કરવી પડે છે. આપણે આ બંધ કરી શકીએ છીએ અને આ ખેડૂતોના ખાતામાં નાણાં જઈ શકે છે. આ પૈસાના હકદાર ખેડૂતો છે, પણ આના માટે ખેડૂતોને માર્ગદર્શન આપવું જરૂરી છે, એમ તેમણે કહ્યું હતું.

છેલ્લાં કેટલાંક વર્ષોમાં બેન્ક ખાતા ખોલવામાં, રસીકરણ અને આરોગ્યની સુવિધામાં વધારો, મફત વીજ જોડાણ અને મફત ગેસ કનેક્શનથી ગરીબોના જીવનમાં અભૂતપૂર્વ પરિવર્તન જોવા મળ્યું છે. કોરોના કાળમાં રાજ્ય અને કેન્દ્ર સરકારે સાથે મળીને કામ કર્યું, જેનાથી દેશ સફળ થયો.

ભારતના વિકાસનો પાયો એ છે કે કેન્દ્ર અને રાજ્યો એકસાથે કામ કરી રહ્યાં છે. અને કોઓપરેટિવ ફેડરલિઝમને વધુ સક્ષમ બનાવે છે. આપણે માત્ર રાજ્યો નહીં, પણ જિલ્લામાં પણ પ્રતિસ્પર્ધી, કોઓપરેટિવ ફેડરલિઝમ લાવવાના પ્રયાસ કરવા પડશે, એમ તેમણે કહ્યું હતું.

 

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]