બેંગલુરુઃ પેલેસ્ટિનીયન આતંકવાદી સંગઠન હમાસે ગઈ 7 ઓક્ટોબરે ઈઝરાયલ પર કરેલા ભયાનક રોકેટ હુમલામાં 1,300થી વધારે ઈઝરાયલી નાગરિકોનાં મરણ અને બીજાં હજારો લોકો ઘાયલ થયા બાદ ભારતમાં ઘણા મુસ્લિમોએ હમાસની તરફેણ કરી છે. કર્ણાટકમાં એવા બે કેસમાં પોલીસે પગલાં લીધા છે. હમાસ અને પેલેસ્ટિનની તરફેણ કરતા સંદેશા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર પોસ્ટ કરનાર બે મુસ્લિમની પોલીસે ધરપકડ કરી છે. આ બે જણના નામ ઝાકીર અને આલમ પાશા હોવાનો અહેવાલ છે. ઉલ્લેખનીય છે કે, ઈઝરાયલ-હમાસ યુદ્ધમાં ભારત સરકારે સત્તાવાર રીતે ઈઝરાયલની તરફેણ કરી છે.
મેંગલુરુમાં, પોલીસે 58 વર્ષના ઝાકીર ઉર્ફે ઝાકીની ધરપકડ કરી છે. ઝાકીરે હમાસને ટેકો દર્શાવતો એક વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો હતો. 30-સેકંડના વીડિયોમાં ઝાકીરે લોકોને વિનંતી કરી હતી કે તેઓ હમાસ ‘દેશભક્તો’ માટે નમાઝ પઢે.
આને પગલે વિશ્વ હિન્દુ પરિષદના પ્રદીપ નામના એક સભ્યએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. તેમાં જણાવાયું છે કે ઝાકીરની ટિપ્પણી રાષ્ટ્રીય સલામતી માટે જોખમી છે, કારણ કે એ લોકોમાં વૈમનસ્ય ફેલાવનારી છે. પોલીસે ત્યારબાદ તરત જ ઝાકીરની ધરપકડ કરી હતી અને એને કોર્ટમાં ઉભો કર્યો હતો. તે હાલ અદાલતી કસ્ટડીમાં છે. પોલીસના ચોપડે એની સામે બીજા સાત આરોપ પણ નોંધાયેલા છે.
આવો જ કેસ, રાજ્યના વિજયનગર જિલ્લાના હોસ્પેટ નગરમાં નોંધાયો છે. ત્યાં 20 વર્ષના આલમ પાશા નામના યુવકે તેના વોટ્સએપ સ્ટેટસમાં હમાસનું સમર્થન કરતા અને દેશ-વિરોધી વીડિયો અપલોડ કર્યા હતા. પાશા સામે દેશદ્રોહી સામગ્રીનો ફેલાવો કરવાનો આરોપ મૂકાયો છે અને તેને અટકાયતમાં લેવામાં આવ્યો છે. હોસ્પેટમાં જ 20 વર્ષના એક અન્ય મુસ્લિમ યુવકે પણ પેલેસ્ટિનની તરફેણ કરતો વીડિયો વોટ્સએપ પર પોસ્ટ કર્યા બાદ પોલીસે એને પૂછપરછ માટે બોલાવ્યો હતો.