અરવિંદ કેજરીવાલના રિમાન્ડ પર ચુકાદો સુરક્ષિત રખાયો

નવી દિલ્હીઃ કોર્ટે ED અને કેજરીવાલ- બંને પક્ષોને સાંભળીને રિમાન્ડ પર ચુકાદો સુરક્ષિત રાખ્યો છે. કોર્ટ થોડી વારમાં કેજરીવાલના રિમાંડ પર ચુકાદો સંભળાવશે. EDએ કોર્ટમાં કહ્યું હતું કે એ વાતના પૂરતા પુરાવા છે કે કૌભાંડ અને છેતરપિંડી થઈ છે. ગોવા ચૂંટણી માટે ફંડ એકત્ર કરવા માટે આબકારી નીતિમાં ફેરફાર કરવામાં આવ્યો હતો. 

મુખ્ય મંત્રી કેજરીવાલની ધરપકડને લઈને તેમના પત્નીએ રિએક્શન આપ્યું છે. સોશિયલ મિડિયા પર પોસ્ટ કરતાં તેમણે લખ્યું છે કે ત્રણ વાર ચૂંટાઈ આવેલા મુખ્ય મંત્રીની સત્તાના અહંકારમાં ધરપકડ કરાવવામાં આવી છે અને તેઓ બધાને કચડવામાં લાગ્યા છે. આ દિલ્હીની સાથે છેતરપિંડી છે. તમારા મુખ્ય મંત્રી હંમેશાં તમારી સાથે ઊભા છે. તેઓ અંદર રહે કે બહાર તેમનું જીવન દેશને સમર્પિત છે. જનતા બધુ જાણે છે,  જયહિંદ.

રાઉઝ એવન્યુ કોર્ટમાં સુનાવણી શરૂ થતાં જ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે 28 પાનાની દલીલ આપીને કેજરીવાલની ધરપકડનું કારણ જણાવ્યું હતું. ED તરફથી હાજર રહેલા એડિશનલ સોલિસિટર જનરલ એસવી રાજુએ કોર્ટને જણાવ્યું હતું કે કેજરીવાલની ગુરુવારે રાત્રે ધરપકડ કરવામાં આવી છે. તેમણે કહ્યું કે કેજરીવાલ એક્સાઇઝ કેસમાં સીધી રીતે સંકળાયેલા છે. વિજય નાયર કેજરીવાલ અને કે કવિતા માટે વચેટિયા તરીકે કામ કરી રહ્યા હતા. વિજય મુખ્યમંત્રીના નિવાસસ્થાનની નજીક રહેતો હતો. તે મિડિયા પ્રભારી હતો. EDએ કહ્યું હતું કે કવિતાએ આમ આદમી પાર્ટીને 300 કરોડ રૂપિયા આપ્યા હતા.