નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીનાં પરિણામો જારી થયા પછી દિલ્હીમાં સરકાર બનાવવા માટે NDAની બેઠક પૂરી થઈ ચૂકી છે. આ બેઠકમાં નરેન્દ્ર મોદીને સંસદીય દળના નેતા તરીકે ચૂંટણીમાં આવ્યા છે. નીતીશકુમારે અને ચંદ્રબાબુ નાયડુએ આ બેઠકમાં ભાજપને સમર્થનનો પત્ર સોંપી દીધો છે. હવે NDAની બેઠક પછી તમામ નેતા સરકાર બનાવવાનો દાવો આજે જ રજૂ કરે એવી શક્યતા છે.
PM નિવાસસ્થાને થયેલી NDAની બેઠકમાં અનુપ્રિયા પટેલ, મહારાષ્ટ્રના CM એકનાથ શિંદે, જીતન રામ માંઝી, પ્રફુલ પટેલ, ચિરાગ પાસવાન પવન કલ્યાણ અને જયંત ચૌધરી પણ હાજર હતા. આ બેઠકમાં દરેક પાસા પર વિચારવિમર્શ કરવામાં આવ્યો હતો.
લોકસભા ચૂંટણીમાં ભાજપે 240 સીટો પર જીત નોંધાવી છે, જે બહુમતના આંકડાથી 32 ઓછી છે. TDP અને JDUની પાસે કુલ 28 સીટો છે. હવે NDA સરકાર બનાવવાની તૈયારીમાં લાગી ગઈ છે.બીજી બાજુ, ઇન્ડિયા ગઠબંધન પણ વ્યૂહરચના બનાવવામાં લાગી ગયું છે. મોદીને સતત ત્રીજી વાર PM બનતા રોકવા માટે કોંગ્રેસ નીતીશકુમાર અને ચંદ્રબાબુ નાયડુને પોતાના ગઠબંધનમાં જોડવા એડીચોટીનું જોર લગાવી રહ્યું છે. જોકે આ પહેલાં TDP ચીફ ચંદ્રબાબુ નાયડુએ સ્પષ્ટતા કરી હતી કે તેઓ NDAની સાથે છે. અમે NDAમાં છીએ અને હું NDAની બેઠકમાં જઈ રહ્યો છું, એમ તેમણે કહ્યું હતું.
વળી, ચોથી જૂને પણ TDP સુપ્રીમો એન. ચંદ્રબાબુ નાયડુએ મોદી અને ભાજપના વરિષ્ઠ નેતાઓનો આભાર માન્યો હતો.NDA સરકાર મોદી અને શાહ માટે ચલાવવી એક પડકાર છે. એ સાથે નાયડુ અને નીતીશકુમાર સાથે ચલાવવી એક એક મોટો પડકાર છે. વળી, બંને નેતાઓ નાયડુ અને નીતીશકુમાર પોતાની વાત મનાવવામાં પાવરધા છે. આવામાં પ્રેશર પોલિટિક્સ ઘણું જોવા મળશે. હવે જોવાનું એ રહે છે કે આ નવાં સમીકરણો સાથે મોદી અને શાહ આગળ કઈ રીતે વધે છે? એ તો સમય જ કહેશે.